April 1, 2026
ધર્મ દર્શન

રામનગરીમાં ભક્તિના મહાસાગર વચ્ચે મેઘરાજાનું વિઘ્ન, શું આજે રામ લલ્લાનું સૂર્ય કિરણોથી અભિષેક થઈ શકશે

10:53:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રામનગરીમાં ભક્તિના મહાસાગર વચ્ચે મેઘરાજાનું વિઘ્ન,</strong></span> શું આજે રામ લલ્લાનું સૂર્ય કિરણોથી અભિષેક થઈ શકશે</p>

"ભય પ્રગટ કૃપાલા, દીનદયાલા..." ના નાદ સાથે આજે અયોધ્યાનું આકાશ ગુંજી ઉઠ્યું છે. પ્રભુ શ્રી રામના જન્મોત્સવના અવસરે રામ લલ્લા આસામ સિલ્કના પીળા વસ્ત્રોમાં દિવ્ય દર્શન આપશે. એક તરફ શ્રદ્ધાનો મહાસાગર ઉમટ્યો છે, તો બીજી તરફ કુદરતે વરસાદી માહોલ સર્જીને વૈજ્ઞાનિકો અને વહીવટી તંત્રની કસોટી કરી છે. શું મેઘરાજાના વિઘ્ન વચ્ચે રામ લલ્લાનું સૂર્ય તિલક થઈ શકશે? તે જોવું રસપ્રદ રહેશે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે, પ્રભુ શ્રી રામના જન્મોત્સવને વધાવવા માટે રામનગરીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરના પ્રાંગણથી લઈને દરેક મઠ અને મંદિરોમાં ભજન-કીર્તનની ગૂંજ સંભળાઈ રહી છે, અને હજારો કિલોમીટર દૂરથી શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા છે.આજની સૌથી મોટી વિશેષતા 'સૂર્ય તિલક' છે, જે બપોરે 12:00  વાગ્યે થવાનું નિર્ધારિત છે.

જોકે, અયોધ્યામાં બદલાયેલા હવામાન અને હળવા વરસાદને કારણે સૂર્ય તિલક પર શંકાના વાદળો છવાયા છે. જો આકાશ વાદળછાયું રહેશે, તો સૂર્યના કિરણો ગર્ભગૃહ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે, જેને લઈને ભક્તોમાં ચિંતા છે.

વૈજ્ઞાનિકોની ટીમ સતર્ક

સૂર્ય તિલકની પ્રક્રિયાને સફળ બનાવવા માટે વૈજ્ઞાનિકોની એક વિશેષ ટીમ અયોધ્યા પહોંચી ગઈ છે. આ ટીમ અત્યાધુનિક ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા સૂર્યના કિરણોને ભગવાનના કપાળ સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે. બદલાતા હવામાન વચ્ચે પણ વૈજ્ઞાનિકો આ ટેકનિકલ પ્રક્રિયાને સફળ બનાવવા માટે સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

રામ લલ્લાનો દિવ્ય પોશાક

રામ નવમીના પવિત્ર અવસરે ભગવાન શ્રી રામ લલ્લા આસામ સિલ્કમાંથી તૈયાર કરાયેલ વિશેષ પીળો ઝભ્ભો ધારણ કરશે. પ્રખ્યાત ડ્રેસ ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ પોશાક ખૂબ જ ખાસ છે. અભિષેક અને શણગાર બાદ ભગવાન પીળા વસ્ત્રોમાં ભક્તોને દિવ્ય દર્શન આપશે.

સુરક્ષા અને માનવતાના દર્શન

ભક્તોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસપી સુરક્ષા બલરામચારી દુબેએ નિર્માણાધીન માર્ગો પર ઉઘાડા પગે ચાલતા ભક્તો માટે લાલ જાજમ (કાર્પેટ) બિછાવી છે, જેથી કોંક્રિટ અને ગરમીથી શ્રદ્ધાળુઓને રાહત મળી શકે. પોલીસના આ માનવતાવાદી અભિગમની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.

કોમી એકતાની મિસાલ

અયોધ્યામાં રામ જન્મોત્સવ નિમિત્તે ગંગા-જમુના સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી છે. બાબરીના પૂર્વ વાદી ઇકબાલ અંસારીએ રામ લલ્લાની તસવીર ભેટ આપીને સૌને રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આ તસવીરને પ્રસાદ તરીકે રજૂ કરીને અયોધ્યાની ભાઈચારાની પરંપરાને જીવંત રાખી છે.

શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તણૂકનો વિવાદ

એક તરફ ભક્તિનો માહોલ છે, તો બીજી તરફ કનક ભવન મંદિરમાં ભક્તો સાથે પોલીસના ગેરવર્તણૂકના સમાચાર પણ સામે આવ્યા છે. કનક ભવન ખાલી કરાવવા બાબતે ઉત્તર પ્રદેશ પોલીસના કેટલાક કર્મચારીઓ દ્વારા ભક્તો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે, જેના કારણે દર્શનાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.