માત્ર ફિલ્મ નહીં, ભક્તિ અને ભવ્યતાનો અદભૂત સંગમ : જાણો 'રામાયણ'ના ટીઝરની એ ખાસ વાતો જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી....
ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન મહાકાવ્ય 'રામાયણ' જ્યારે મોટા પડદા પર આવવાની વાત વહેતી થઈ ત્યારથી જ પ્રેક્ષકોમાં ઉત્સાહની સાથે સાથે એક આશંકા પણ હતી કે શું આધુનિક સિનેમા આ પવિત્ર ગાથા સાથે ન્યાય કરી શકશે? પરંતુ નમિત મલ્હોત્રા અને નિર્દેશક નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'ના ટીઝરે આ તમામ શંકાઓને ફગાવી દઈને એક એવી જાદુઈ દુનિયાની ઝલક આપી છે જેણે માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સિનેમા જગતને સ્તબ્ધ કરી દીધું છે. વર્ષ 2017માં થયેલી જાહેરાત બાદ લગભગ એક દાયકાની લાંબી રાહનો અંત આવ્યો છે અને આ અઢી મિનિટનું ટીઝર સાબિત કરે છે કે તે માત્ર એક ફિલ્મ નથી, પરંતુ ભારતીય સિનેમાની વૈશ્વિક મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. આ ટીઝરમાં જે સ્કેલ અને વિઝ્યુઅલ ગ્રાન્ડનેસ જોવા મળે છે, તે અત્યાર સુધીની તમામ કલ્પનાઓ કરતાં અનેકગણી ચડિયાતી છે.
ટીઝરની શરૂઆતથી જ દ્રશ્યોની ભવ્યતા આંખોને અંજી દે તેવી છે, પણ તેમાં જીવ પૂરવાનું કામ એ.આર. રહેમાન અને હાન્સ ઝિમરના સંગીતે કર્યું છે. આ સંગીતમાં કોઈ બિનજરૂરી ઘોંઘાટ નથી, પરંતુ એક એવો ગહન સુર છે જે સીધો આત્માને સ્પર્શે છે અને પ્રેક્ષકોને ત્રેતાયુગના તે પવિત્ર વાતાવરણમાં લઈ જાય છે. ટીઝરનો દરેક ફ્રેમ એટલી બારીકાઈથી કંડારવામાં આવ્યો છે કે તેને જોતા લાગે છે કે જાણે કોઈ જીવંત પેઇન્ટિંગ જોઈ રહ્યા હોઈએ. આ દ્રશ્યોની વચ્ચે જ્યારે ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની એન્ટ્રી થાય છે, ત્યારે સિનેમાઘરોમાં તાળીઓના ગડગડાટ સંભળાય તેવું વાતાવરણ સર્જાય છે. રણબીરની ચાલ, તેની આંખોની નમ્રતા અને શક્તિશાળી વ્યક્તિત્વ વચ્ચેનો જે અદભૂત સંતુલન જોવા મળ્યું છે, તે નિતેશ તિવારીની દ્રષ્ટિની સફળતા દર્શાવે છે.
નિતેશ તિવારીએ રામાયણને માત્ર ભવ્યતાના દ્રષ્ટિકોણથી નથી બનાવી, પણ તેમાં જે ભાવ અને સંવેદનાઓ ઉમેરી છે તે પ્રેક્ષકોને સીધા જ કથા સાથે જોડે છે. ટીઝરમાં રણબીરના રામ અવતારમાં જે ઠેરાવ અને ગરિમા છે, તે જોઈને લાગે છે કે તેમણે આ પાત્રને માત્ર ભજવ્યું નથી પણ જીવ્યું છે. જોકે ટીઝર મુખ્યત્વે રામ પર કેન્દ્રિત છે, છતાં પણ ખૂબ જ ધ્યાનથી જોતા માતા સીતાની એક પવિત્ર ઝલક અને રાવણના પ્રચંડ વ્યક્તિત્વનો આભાસ પણ થાય છે, જે ઉત્તેજનામાં વધારો કરે છે. આ ફિલ્મ ગ્રીક કે રોમન દંતકથાઓ પર આધારિત હોલીવુડની ફિલ્મોની હરોળમાં ભારતનું નામ ગર્વથી રોશન કરશે તેવું જણાઈ રહ્યું છે.
આ ફિલ્મ માત્ર એક મનોરંજનનું સાધન નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ગૌરવની નવી ઓળખ બનીને ઉભરશે. અત્યાર સુધી દુનિયાએ વિદેશી સંસ્કૃતિઓની ભવ્ય ગાથાઓ જોઈ છે, પરંતુ હવે ભારતની અમર કથા ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવા તૈયાર છે. ટીઝર જોયા પછી ચાહકોમાં હવે દિવાળી સુધીની રાહ જોવી અશક્ય લાગી રહી છે. નમિત મલ્હોત્રાનું આ વિઝન અને રણબીર કપૂરનો સમર્પણ ભાવ આ ફિલ્મને ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી અને યાદગાર ફિલ્મ બનાવશે તેમાં કોઈ બેમત નથી. રામાયણના આ સેલિબ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે અને હવે દરેક વ્યક્તિ આ દૈવી અનુભવને મોટા પડદા પર માણવા આતુર છે.