ધુરંધર 2ની ધમાલ: 21મા દિવસે પણ બોક્સ ઓફિસ પર રણવીર સિંહનું રાજ!
બોલીવુડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહ અને બ્લોકબસ્ટર ડાયરેક્ટર આદિત્ય ધરની જોડીએ સિનેમા જગતમાં નવો ઇતિહાસ રચી દીધો છે. તેમની સ્પાય-થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવન્જ' એ બોક્સ ઓફિસ પર એવી સુનામી લાવી છે કે મોટા-મોટા ટ્રેડ એનાલિસ્ટ્સ પણ દંગ રહી ગયા છે. આ ફિલ્મે માત્ર 21 દિવસમાં જે સિદ્ધિ મેળવી છે, તેવી કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે. 'ધુરંધર 2' એ ભારતની પ્રથમ હિન્દી ફિલ્મ તરીકે 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી છે. 21મા દિવસે આ ફિલ્મે ભારતમાં નેટ કલેક્શનનો આંકડો 1034 કરોડ રૂપિયાને પાર કરી લીધો છે.
અત્યાર સુધી કોઈપણ ભારતીય ફિલ્મે આટલી ઝડપથી અને આટલું વિશાળ કલેક્શન ભારતીય માર્કેટમાં કર્યું નથી, જેના કારણે રણવીર સિંહ હવે બોક્સ ઓફિસનો નવો બાદશાહ બની ગયો છે. આ ફિલ્મે ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મો ગણાતી 'બાહુબલી 2', 'જવાન' અને 'KGF: ચેપ્ટર 2' ના લાઈફટાઈમ કલેક્શનના રેકોર્ડ્સને પણ ધ્વસ્ત કરી દીધા છે. આદિત્ય ધરના શાનદાર ડાયરેક્શનને કારણે આ સ્પાય-થ્રિલર પ્રેક્ષકોને એટલી પસંદ આવી છે કે તે હવે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં મોખરે પહોંચી ગઈ છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે, IPL 2026 ની સીઝન ચાલતી હોવા છતાં 'ધુરંધર 2' ના કલેક્શનમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. તહેવારો જેવા કે ઈદ અને ગુડી પડવાનો ફિલ્મને ભરપૂર ફાયદો મળ્યો છે. અન્ય મોટી ફિલ્મો જેવી કે 'ટોક્સિક' ની રિલીઝ ડેટ લંબાતા અને 'ઉસ્તાદ ભગત સિંહ' જેવી ફિલ્મોને નબળો પ્રતિસાદ મળતા રણવીરની આ ફિલ્મને મેદાન ખાલી મળી ગયું છે. ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલા ફિલ્મના પહેલા ભાગ 'ધુરંધર' એ 840.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે કલેક્શન કરતા આ બીજા ભાગે માત્ર 11 દિવસમાં જ વધુ કમાણી કરી લીધી હતી.
પહેલા ભાગને જેટલા રન બનાવવા માટે 3 મહિના લાગ્યા હતા, તે રેકોર્ડ 'ધુરંધર 2' એ ગણતરીના દિવસોમાં જ તોડી નાખ્યો છે, જે ફિલ્મની લોકપ્રિયતા દર્શાવે છે. વિશ્વભરમાં આ ફિલ્મ 1700 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શવાની તૈયારીમાં છે. ફિલ્મના મેકર્સે ફેમિલી ઓડિયન્સના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ડિજિટલ પ્રિન્ટ્સમાં પણ સુધારા કર્યા છે. ત્રીજા અઠવાડિયામાં પણ ફિલ્મ સરેરાશ 8 થી 10 કરોડની દૈનિક કમાણી કરી રહી છે, જે સાબિત કરે છે કે પ્રેક્ષકો હજુ પણ સિનેમાઘરોમાં જઈને રણવીર સિંહના ધમાકેદાર એક્શનને માણી રહ્યા છે.