હું હરિયાણાનો દીકરો છું, મને માફ કરો: રાષ્ટ્રીય મહિલા આયોગમાં બાદશાહની આજીજી, વિવાદાસ્પદ 'ટટીરી' ગીત પર પસ્તાવો વ્યક્ત કર્યો
મશહૂર રેપર અને બોલિવૂડ સિંગર આદિત્ય સિસોદિયા ઉર્ફે બાદશાહ પોતાના નવા ગીત 'ટટીરી' ને લઈને મોટા વિવાદમાં ફસાયા છે. ગીતમાં મહિલાઓ માટે વપરાયેલા અસંયમિત અને વાંધાજનક શબ્દોના મામલે બાદશાહ મંગળવારે બપોરે રાષ્ટ્રીય મહિલા આયોગની કચેરીએ હાજર થયા હતા. આશરે એક કલાક ચાલેલી સઘન પૂછપરછ બાદ બાદશાહે પોતાના કૃત્ય બદલ લેખિતમાં માફી માંગી છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પાણીપતના 'નારી તું નારાયણી' સંગઠનના અધ્યક્ષ સવિતા આર્યએ બાદશાહ વિરુદ્ધ રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગીતના શબ્દો મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડનારા છે.
આ મામલે હરિયાણાના પંચકૂલા અને જિંદમાં બાદશાહ વિરુદ્ધ FIR પણ નોંધાઈ ચૂકી છે. અગાઉ હરિયાણા રાજ્ય મહિલા આયોગે તેમને સમન પાઠવ્યું હતું, પરંતુ વ્યસ્તતાનું કારણ ધરી તેઓ હાજર થયા નહોતા, જેને પગલે મામલો રાષ્ટ્રીય મહિલા આયોગ સુધી પહોંચ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગમાં થયેલી સુનાવણી બાદ બાદશાહના વકીલ અક્ષય દહિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમારા અસીલ બાદશાહે આયોગ સમક્ષ હાજર રહીને પોતાની ભૂલ સ્વીકારી છે અને બિનશરતી માફી માંગી છે. તેમણે ખાતરી આપી છે કે ભવિષ્યમાં તેઓ એવું કોઈ પણ ગીત કે પંક્તિઓ નહીં રચે જે મહિલાઓની ગરિમા કે લાગણીઓને દુભાવે."
નોંધનીય છે કે બાદશાહે આયોગ સમક્ષ માત્ર માફી જ નથી માંગી, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે પશ્ચાતાપ વ્યક્ત કરતા કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી છે. બાદશાહ આગામી સમયમાં મહિલા સશક્તિકરણ પર આધારિત ગીત બનાવશે અને જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણમાં મદદરૂપ થવાની પણ ખાતરી આપી છે. આ કિસ્સાએ મનોરંજન જગતમાં કલાકારોની સામાજિક જવાબદારી અને ગીતોમાં વપરાતી ભાષા પર ફરી એકવાર ચર્ચા જગાવી છે. મહિલા આયોગે સ્પષ્ટ કર્યું છે કે કલાના નામે મહિલાઓનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં. હાલ પૂરતું બાદશાહે માફી માંગીને વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા હજુ ચાલુ રહી શકે છે.