એક રિસેપ્શન આવું પણ! લગ્નના સવા મહિના બાદ વિજય-રશ્મિકાએ ફરી કેમ કર્યું સેલિબ્રેશન?

સાઉથ સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ જોડીએ ગત 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં અત્યંત ધામધૂમથી અને શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નની સુંદર તસવીરોએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી અને ચાહકોમાં આ સુપરસ્ટાર જોડી માટે ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. લગ્નના 40 દિવસ બાદ, તાજેતરમાં 6 એપ્રિલે કર્ણાટકના કોડાગુ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 5 એપ્રિલે રશ્મિકાનો 30મો જન્મદિવસ હતો, જેના બીજા જ દિવસે આ ખાસ સમારોહ યોજાયો હતો.
વિરાજપેટના ‘સેરેનિટી કન્વેન્શન હોલ’માં યોજાયેલા આ કાર્યક્રમમાં રશ્મિકાએ પોતાના મૂળ વારસાને સન્માન આપતા પરંપરાગત શૈલી અપનાવી હતી. આ રિસેપ્શનમાં રશ્મિકા મંદાનાના લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે પિંક અને ઓલિવ ગ્રીન કલરની સુંદર સિલ્ક સાડી પહેરી હતી, જેને ખાસ ‘કોડવા’ શૈલીમાં પહેરવામાં આવી હતી. આ શૈલીમાં સાડીની પાટલી પાછળના ભાગે હોય છે અને પાલવ જમણા ખભા પર આવે છે, જે રશ્મિકાના વતનની સંસ્કૃતિનું પ્રતીક છે. બીજી તરફ, વિજય દેવરકોંડા પણ અત્યંત હેન્ડસમ અને આકર્ષક લુકમાં જોવા મળ્યો હતો.
વિજયે બ્લેક ટ્રાઉઝર, બ્લેઝર અને વ્હાઇટ શર્ટ પહેર્યું હતું. રિસેપ્શનમાં જ્યારે આ નવદંપતીએ એકબીજાના હાથમાં હાથ પરોવીને એન્ટ્રી લીધી, ત્યારે ત્યાં હાજર તમામ મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને જ આમંત્રણ અપાયું હતું.આ ખાસ પ્રસંગે રશ્મિકાને તેના પિતા તરફથી એક અદભૂત સરપ્રાઈઝ મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશ્મિકાના પિતાએ તેને વિરાજપેટ પાસેના કુકલૂર ગામમાં આવેલો તેમનો ‘સેરેનિટી’ બંગલો લગ્નની ભેટ તરીકે આપ્યો છે.
આ ભવ્ય બંગલો રશ્મિકા માટે તેની ભાવનાઓ અને સંસ્મરણો સાથે જોડાયેલો છે, જે હવે તેની પોતાની મિલકત બની છે. માત્ર મીઠાઈ જ નહીં, પરંતુ આ નવદંપતીએ દેશના વિવિધ મંદિરોમાં અન્નદાનની વ્યવસ્થા પણ કરાવી હતી. રશ્મિકા અને વિજયનું માનવું હતું કે જનતાનો પ્રેમ તેમની આ સફરનો અભિન્ન હિસ્સો રહ્યો છે, તેથી અન્નદાન દ્વારા લોકોના આશીર્વાદ મેળવીને તેમણે પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ અનોખી પહેલની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે.