લોન EMIમાંથી મુક્તિ નથી! RBIએ વ્યાજદરો યથાવત રાખ્યા, શેરબજારમાં જોવા મળી તેજી, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ એપ્રિલ 2026ની દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી દીધી છે, જેમાં સામાન્ય જનતા અને ખાસ કરીને હોમ લોન તેમજ ઓટો લોન ધારકોને મોટો આંચકો લાગ્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના સંકેતો બાદ એવી પ્રબળ શક્યતા જોવાઈ રહી હતી કે આ વખતે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ફુગાવાના જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. સતત ચોથી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હવે બેંકો પણ વ્યાજદર ઘટાડશે નહીં, પરિણામે લોકોની માસિક EMIમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જોવા મળશે નહીં. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ આજે બુધવારે રેપો રેટનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
વૈશ્વિક કટોકટી અને મોંઘવારીનું જોખમ
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેની તંગદિલીએ વૈશ્વિક અર્થવ્યવસ્થા સામે નવા પડકારો ઊભા કર્યા છે. જોકે તાજેતરમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે સીઝફાયર થવાથી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાથી કાચા તેલના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ મોંઘવારીનો ખતરો હજુ પણ ટળ્યો નથી. આરબીઆઈનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો આવે તો તેની સીધી અસર છૂટક મોંઘવારી પર પડી શકે છે. આવી સ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા જાળવી રાખવી અને વિકાસ દરને ગતિ આપવી એ પ્રાથમિકતા છે. MPCના મોટાભાગના સભ્યોએ હાલની પરિસ્થિતિમાં 'રાહ જુઓ અને જુઓ'ની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો છે.
શેરબજારમાં તેજી અને અર્થતંત્રની સ્થિતિ
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ હળવો થતા ભારતીય શેરબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 77,000 અને નિફ્ટી 23,900ની ઐતિહાસિક સપાટીને વટાવી ગયા છે. તેલના ભાવમાં ઘટાડો અને ભૌગોલિક રાજકીય સ્થિતિમાં સુધારો થવાને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. જોકે, સામાન્ય મધ્યમ વર્ગ માટે આ સમાચાર મિશ્ર પ્રતિસાદ લાવ્યા છે. એક બાજુ બજારમાં તેજી છે, તો બીજી બાજુ લોન મોંઘી રહેવાથી મકાન ખરીદનારાઓ અને વાહન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોમાં નિરાશા છે.
હાલમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર હોવાથી, જ્યાં સુધી RBI આગામી સમયમાં નરમ વલણ નહીં અપનાવે ત્યાં સુધી લોન સસ્તી થવાની કોઈ સંભાવના નથી. અર્થશાસ્ત્રીઓ માને છે કે જો મોંઘવારી અંકુશમાં રહેશે, તો જ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં ઘટાડો જોવા મળી શકે છે.