GUJCET-2026: પ્રોવિઝનલ આન્સર-કી બહાર પડી, કોઈ પ્રશ્નમાં ભૂલ જણાય તો આ તારીખ સુધીમાં કરો રજૂઆત
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરી દેવામાં આવી છે. બોર્ડની અખબારી યાદી મુજબ, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી20ની આન્સર-કી પ્રસિદ્ધ કરાઈ છે. આ વિગતો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમોના વિદ્યાર્થીઓ માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવી છે. જો કોઈ ઉમેદવારને પ્રસિદ્ધ થયેલી આન્સર-કીના કોઈ પણ જવાબ સામે વાંધો કે રજૂઆત હોય, તો તેઓ 8 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆત મોકલી શકે છે.
આ સમયમર્યાદા બાદ મળેલી કોઈ પણ અરજી પર બોર્ડ દ્વારા વિચારણા કરવામાં આવશે નહીં, તેથી વિદ્યાર્થીઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. વાંધા રજૂ કરવા માટે ઉમેદવારે નિયત નમૂનામાં વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મની સાથે જરૂરી પુરાવાઓ અને આધારો જોડવા જરૂરી છે. તૈયાર કરેલા આ ફોર્મને સ્કેન કરીને gujcetkey@gmail.com પર ઈ-મેઈલ દ્વારા મોકલવાનું રહેશે. ઈ-મેઈલ સિવાય અન્ય કોઈ માધ્યમથી મળેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
શિક્ષણ બોર્ડ દ્વારા વાંધા અરજી માટે ફી નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારે દરેક પ્રશ્ન દીઠ રૂ. 500/- ની ફી ચૂકવવાની રહેશે. આ ફી એસબીઆઈ બેંકમાં ચલણ દ્વારા ભરવાની રહેશે. ખાસ નોંધનીય છે કે, ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરતી વખતે આ ભરેલા ચલણની નકલ પણ સાથે જોડવી ફરજિયાત છે, નહીંતર અરજી રદ થઈ શકે છે. બોર્ડ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત સાચી ઠરશે અને બોર્ડના નિષ્ણાતો તેને સ્વીકારશે, તો તે પ્રશ્ન માટે ભરેલી રૂ.500ની ફી ઉમેદવારને પરત કરવામાં આવશે.
જો રજૂઆત ખોટી ઠરશે તો ફી પરત મળશે નહીં. આ જોગવાઈ ખોટી રજૂઆતોને રોકવા માટે કરવામાં આવી છે. અત્યારે જાહેર કરવામાં આવેલી આન્સર-કી 'પ્રોવિઝનલ' એટલે કે કામચલાઉ છે. 8 એપ્રિલ સુધી મળેલી તમામ રજૂઆતોની વિષય નિષ્ણાતો દ્વારા ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જો કોઈ સુધારા હશે તો તે કરીને બોર્ડ દ્વારા 'ફાઈનલ આન્સર-કી' જાહેર કરવામાં આવશે, જેના આધારે ગુજકેટ-2026નું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે.