RBSE 12th Result 2026 : રાજસ્થાન બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર, આ લિંક પરથી ફટાફટ ચેક કરો તમારું રિઝલ્ટ...
રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડ (RBSE) દ્વારા આજે લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા ધોરણ 12નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉદયપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે સવારે 10 વાગ્યે ત્રણેય પ્રવાહ એટલે કે આર્ટસ, સાયન્સ અને કોમર્સના પરિણામોની એકસાથે જાહેરાત કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે અને છોકરાઓ કરતા ચડિયાતું પ્રદર્શન કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ વર્ષે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈને 11 માર્ચ 2026 સુધી ચાલી હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કિસ્મત અજમાવી હતી.
પરિણામની જાહેરાત થતાની સાથે જ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર રિઝલ્ટ લિંક સક્રિય કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે તેઓ રાજસ્થાન બોર્ડની અધિકૃત વેબસાઈટ rajeduboard.rajasthan.gov.in અથવા rajasthan.gov.in પર જઈને પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે છે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ હોમ પેજ પર આપેલા '12th Exam Result 2026' ની લિંક પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ નવા ખુલેલા ટેબમાં પોતાનો રોલ નંબર દાખલ કરીને સબમિટ બટન દબાવતા જ માર્કશીટ સ્ક્રીન પર દેખાશે. વિદ્યાર્થીઓ આ ડિજિટલ માર્કશીટને ડાઉનલોડ કરી શકે છે અથવા ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ પણ મેળવી શકે છે. મંત્રી મદન દિલાવરે તમામ સફળ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.