ડાયરો, આતશબાજી અને સમૂહ આરતી: હનુમાન જયંતિ પર સાળંગપુર ધામ ભક્તિના રંગે રંગાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, આ વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર ધામમાં ભક્તિ અને વૈભવનો અનોખો સંગમ જોવા મળશે. દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા બે દિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આસ્થા અને આધુનિકતાની ઝલક જોવા મળશે. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પર્વની બે દિવસીય ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૈત્ર સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર વહીવટકર્તાઓ અને સંતો દ્વારા વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ દાદાને અર્પણ કરવામાં આવનારા કિલો સોનાના સુવર્ણ વાઘા છે. આ વાઘા તૈયાર કરવા માટે 100 જેટલા કુશળ સોનીઓ અને 22 ડિઝાઇનર આર્ટિસ્ટની ટીમે દિવસ-રાત મહેનત કરી છે. આ વાઘામાં ૩D વર્ક, બિકાનેરી મીણો અને પેન્ટિંગ મીણો જેવી અત્યાધુનિક કલાકારીનો સમન્વય જોવા મળશે, જે ભક્તો માટે અલૌકિક દર્શન બની રહેશે, જન્મોત્સવના દિવસે દાદાનું 1008 કિલો વિવિધ પુષ્પો દ્વારા રાજોપચાર પૂજન કરવામાં આવશે.
આ સાથે જ મંદિર પરિસરમાં એક અનોખું દ્રશ્ય સર્જાશે, જેમાં આકાશમાંથી 1 લાખ ફુગ્ગાની વર્ષા કરીને જન્મોત્સવની ખુશી મનાવવામાં આવશે. દાદાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભવ્ય મહા અન્નકૂટ ધરાવવામાં આવશે. આ ઉપરાંત, હનુમાનજીના જન્મને વધાવવા માટે 151 કિલોની વિશાળ કેક કાપીને ધામધૂમથી ભક્તો વચ્ચે ઉત્સવ મનાવવામાં આવશે. મંદિર પ્રાંગણમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ આરતીનું પણ આયોજન કરાયું છે. બે દિવસીય મહોત્સવ દરમિયાન રાત્રિના સમયે હાઇટેક લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરશે.
આ ઉપરાંત, ભવ્ય આતશબાજી અને લોકપ્રિય કલાકારો દ્વારા લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે. કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ગુજરાત અને દેશભરમાંથી લાખો ભક્તો સાળંગપુર ઉમટી પડશે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન, પ્રસાદ અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો આ પર્વ પર દાદાના સુવર્ણ દર્શન કરી ધન્યતા અનુભવશે.