પોલીસ સ્ટેશનમાં ન્યાય અપાવનાર અધિકારી ઘરમાં જ હાર્યા....પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે કર્યો આપઘાત
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષક રહી ચૂકેલા એક નિવૃત્ત પોલીસ અધિકારીએ ઘરના કલેશ અને સ્વજનોના અસહ્ય ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. વર્ષ 2020માં હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયેલા જયંતીભાઈ પરમારે પોતાની પત્ની, સાળી અને દારૂડિયા પુત્રના માનસિક તેમજ શારીરિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. જે અધિકારીએ આખી જિંદગી અન્યોને ન્યાય અપાવ્યો, તે જ અધિકારી પોતાના ઘરમાં લાચાર બની ગયા હતા.
આ સમગ્ર મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈ નરેશભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જેમણે આખું જીવન સમર્પિત કર્યું, તેવા એક નિવૃત્ત પોલીસ અધિકારી પોતે જ પારિવારિક હિંસા અને માનસિક ત્રાસનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સોલા વિસ્તારમાંથી સામે આવી છે. વર્ષ 2020માં હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયેલા જયંતીભાઈ પરમારે પોતાના જ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, જયંતીભાઈ પરમાર જ્યારે સેવામાં હતા ત્યારે બધું સામાન્ય હતું.
પરંતુ નિવૃત્તિ પછી તેમના જ પરિવારનું વલણ બદલાઈ ગયું હતું, પત્ની અને સાળી દ્વારા તેમને "હવે તમે કોઈ કામના નથી" તેમ કહી સતત મેણા-ટોણા મારવામાં આવતા હતા. ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અને સતત થતા અપમાનને કારણે તેઓ લાંબા સમયથી ગંભીર માનસિક દબાણમાં જીવી રહ્યા હતા. મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઈડ નોટમાં હૃદયદ્રાવક આક્ષેપો કરવામાં આવ્યા છે. જયંતીભાઈને સૌથી વધુ આઘાત તેમના પોતાના પુત્રના વર્તનથી લાગ્યો હતો. આક્ષેપ છે કે તેમનો પુત્ર દારૂના નશામાં અવારનવાર પિતા સાથે ઝઘડો કરતો અને તેમની સાથે શારીરિક મારપીટ પણ કરતો હતો.
પત્ની અને સાળીના માનસિક ત્રાસમાં પુત્રની ક્રૂરતા ઉમેરાતા નિવૃત્ત PI સાવ ભાંગી પડ્યા હતા. સતત મળતા અપમાન અને ત્રાસથી કંટાળીને આખરે જયંતીભાઈએ મોતનો રસ્તો પસંદ કર્યો હતો.સોલા પોલીસે આ મામલે મૃતકની પત્ની, પુત્ર અને સાળી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક રક્ષકનું પોતાના જ ઘરમાં આ પ્રકારે શોષણ થવું તે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.