અર્જુન રામપાલનો ‘ક્રૂર’ અંદાજ...શિવાજી મહારાજની ફિલ્મમાં મચાવશે આતંક!
બોક્સ ઓફિસ પર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર 2'ની પ્રચંડ સફળતા બાદ અભિનેતા અર્જુન રામપાલ અત્યારે સાતમા આસમાને છે. પોતાની એક્ટિંગ કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહેલા અર્જુન હવે એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. તે આગામી ઐતિહાસિક ફિલ્મ ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’માં એક શક્તિશાળી વિલનના પાત્રમાં જોવા મળશે, જે તેમના ચાહકો માટે એક મોટું સરપ્રાઈઝ હશે. આ ફિલ્મમાં સૌથી આકર્ષક પાસું તેની સ્ટારકાસ્ટ છે. 'કાંતારા' ફેમ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા ઋષભ શેટ્ટી આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકા ભજવશે.
ઋષભ શેટ્ટીની ગંભીર અદાકારી અને અર્જુન રામપાલનો નેગેટિવ રોલ મોટા પડદા પર એક દમદાર ટક્કર ઉભી કરશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ કાસ્ટિંગે અત્યારથી જ સોશિયલ મીડિયા પર ઉત્તેજના વધારી દીધી છે.જાણીતા નિર્માતા સંદીપ સિંહ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં દિગ્દર્શક તરીકેની પોતાની નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સંદીપ સિંહ આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે કટિબદ્ધ છે. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સાહસ, તેમનું અદભૂત યુદ્ધ કૌશલ્ય અને મુગલ સામ્રાજ્ય વિરુદ્ધના તેમના દ્રઢ સંઘર્ષની ગૌરવગાથાને ખૂબ જ ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવશે.
ફિલ્મમાં અન્ય પાત્રોની પસંદગી પણ ખૂબ જ સચોટ રીતે કરવામાં આવી છે. પ્રતિભાશાળી અભિનેત્રી શેફાલી શાહ આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની માતા રાજમાતા જિજાબાઈની ગૌરવશાળી ભૂમિકામાં જોવા મળશે. તેમના પાત્ર દ્વારા શિવાજી મહારાજના ઘડતરમાં જિજાબાઈના યોગદાન અને સંસ્કારોને ઉજાગર કરવામાં આવશે, જે ફિલ્મની ભાવનાત્મક બાજુને મજબૂત બનાવશે.
ઐતિહાસિક કાળમાં લઈ જવાનો નિર્માતાઓનો પ્રયાસ છે.નિર્માતા-નિર્દેશક સંદીપ સિંહની યોજના મુજબ, આ મેગા બજેટ ફિલ્મનું શૂટિંગ ચાલુ વર્ષે જૂન મહિના પછી શરૂ કરવામાં આવશે. અત્યારે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન અને રિસર્ચનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઐતિહાસિક તથ્યોને નુકસાન પહોંચાડ્યા વગર શિવાજી મહારાજના જીવનના અણસ્પર્શ્યા પાસાઓને લોકો સામે લાવવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.