April 1, 2026
ગુજરાત

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની પધરામણી: આવક વધી પણ ભાવ ઘટતા ગીરના ખેડૂતો વ્યથિત 

03:28:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની પધરામણી:</span> આવક વધી પણ ભાવ ઘટતા ગીરના ખેડૂતો વ્યથિત </strong></p>

ગુજરાતીઓ ઉનાળાની શરૂઆત સાથે જ ગીરની પ્રખ્યાત કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે, આ વર્ષે કુદરતે ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું છે. સીઝન પૂર્વે થયેલા કમોસમી વરસાદ (માવઠા) અને સતત બદલાતા વાતાવરણને કારણે આંબાના બગીચાઓમાં મોર ખરી ગયા હતા અને પાકને વ્યાપક નુકસાન થયું હતું. માવઠાની આ આફતે કેરીની ગુણવત્તા અને જથ્થા બંને પર માઠી અસર કરી છે, જેના કારણે બજારમાં આવક તો શરૂ થઈ છે પણ ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝનનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થયેલી આવકમાં હવે વેગ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂતોને મહેનતનું યોગ્ય વળતર ન મળતા રોષ વ્યાપ્યો છે. યાર્ડમાં અત્યાર સુધીમાં હજારો બોક્સની આવક થઈ છે, પરંતુ ભાવ અને ઉતારાના ગણિતમાં ખેડૂત છેતરાયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

આવક અને ભાવના આંકડા

યાર્ડના ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર, સીઝનના પ્રારંભે માત્ર 58 બોક્સ આવ્યા હતા, જે આજે વધીને 700 બોક્સથી ઉપર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં કુલ 3200 બોક્સની આવક નોંધાઈ છે. જોકે, ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. 20 કિલોના ભાવ ₹1000 થી ₹1700 ની વચ્ચે બોલાઈ રહ્યા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં સીઝન પૂરજોશમાં ખીલશે ત્યારે ભાવ હજુ પણ ઘટી શકે છે.

ખેડૂતોની વ્યથા: "બગીચા કાપવાનો વારો આવશે"

ખેડૂતોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે જે બગીચામાંથી પ્રથમ ઉતારે 200 બોક્સ મળતા હતા, ત્યાં આ વર્ષે માંડ 30 બોક્સનો ઉતારો આવ્યો છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ભાવ પણ ગયા વર્ષની સરખામણીએ ₹500 થી ₹600 ઓછા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં નહીં આવે, તો આર્થિક બોજ હેઠળ દબાઈને આંબાના બગીચા કાઢી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં.

ગીરની કેસર કેરી બજારમાં મીઠાશ ફેલાવી રહી છે, પરંતુ તે પકવનાર ખેડૂતના જીવનમાં અત્યારે કડવાશ અને આર્થિક તંગીનો માહોલ છે.