સલાબતપુરા NDPS કેસ : લાંબા સમયથી ભાગતા ફરતા આરોપીની ધરપકડ કરતી સુરત SOG...
સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નશાના સોદાગરો વિરુદ્ધ છેડેલી ઝુંબેશમાં વધુ એક મહત્વની સફળતા મેળવી છે. સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી સુરેશ ચૌધરીને SOGની ટીમે બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાંથી દબોચી લીધો છે. વર્ષ 2025માં જ્યારે SOGએ ઓપરેશન હાથ ધરીને અનવર પઠાણ નામના શખ્સને 230 નંગ પ્રતિબંધિત કોડીન સિરપની બોટલો સાથે ઝડપી પાડ્યો હતો, ત્યારે આ ગેરકાયદે નેટવર્કમાં સુરેશ ચૌધરીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી, અને આખરે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેની ધરપકડ કરવામાં આવી છે.
આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, આરોપીઓ તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના જ પ્રતિબંધિત નશાકારક સિરપનું છૂટક વેચાણ કરતા હતા. ખાસ કરીને યુવા પેઢીને નશાના રવાડે ચઢાવવા માટે આ સિરપનો ઉપયોગ નશા તરીકે કરવામાં આવતો હતો. ધરપકડ કરાયેલો આરોપી સુરેશ ચૌધરી આ સિરપના સપ્લાય ચેઈનમાં મહત્વની કડી હોવાનું મનાઈ રહ્યું છે.
તે અને તેના સાથીદારો કોઈપણ માન્ય લાયસન્સ કે ડોક્ટરની સલાહ વગર નશો કરતા તત્વોને આ દવાઓ પહોંચાડતા હતા. સુરત SOG દ્વારા હાલ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને શહેરમાં અન્ય કોણ કોણ આ વેપારમાં સંડોવાયેલું છે તે અંગેના મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ કાર્યવાહી બાદ પોલીસે સલાબતપુરા પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે.