April 2, 2026
ગુજરાત

સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવનો જન્મોત્સવ : બલૂન ડ્રોપિંગ, આતશબાજી અને નાસિક ઢોલના નાદ, સાળંગપુરધામમાં હનુમાન જયંતીનો ભવ્યાતિભવ્ય નજારો...

10:33:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવનો જન્મોત્સવ : </strong></span>બલૂન ડ્રોપિંગ, આતશબાજી અને નાસિક ઢોલના નાદ, <strong>સાળંગપુરધામમાં હનુમાન જયંતીનો ભવ્યાતિભવ્ય નજારો...</strong></p>

વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના આંગણે આજે હનુમાન જયંતીના પાવન અવસરે ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ રચાયો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ ધામમાં પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી 'કૃતજ્ઞતા મહોત્સવ' અંતર્ગત અત્યંત દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવના પ્રારંભે આજે 2 એપ્રિલ 2026, ગુરુવારના રોજ વહેલી સવારે ડૉ. સંતસ્વામી દ્વારા મંગળા આરતી અને ત્યારબાદ 108 લાલજી સૌરભપ્રસાદજી મહારાજ દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી, જેમાં દાદા સુવર્ણ વાઘામાં સજ્જ થઈ ભક્તોને અલૌકિક દર્શન આપી રહ્યા છે. આ મંગલ ઘડીએ મંદિર પરિસરમાં 1,00,000 બલૂન ડ્રોપિંગ કરીને આકાશને રંગબેરંગી કરી દેવાયું હતું અને 151 કિલોની વિશાળ કેક કાપીને હજારો ભક્તોએ ડી.જે.ના તાલે ઝૂમીને દાદાનો જન્મોત્સવ મનાવ્યો હતો.

આ ધાર્મિક મહોત્સવમાં આધ્યાત્મિક ચેતના જગાવવા માટે સવારે 7 કલાકે 'વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ'નો પ્રારંભ થયો હતો, જેમાં 1000થી વધુ યજમાનોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. યજ્ઞશાળાના મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું છે. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને સવારે 10 વાગ્યાથી જ મહા અન્નક્ષેત્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. બપોરે 11 કલાકે કષ્ટભંજનદેવને અનેકવિધ વાનગીઓનો 'મહાઅન્નકૂટ' ધરાવવામાં આવ્યો, જે દાદાના પ્રતાપી રૂપને વધુ તેજોમય બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઉત્સવની પૂર્વતૈયારી રૂપે 29 માર્ચથી જ કીર્તન આરાધનાના કાર્યક્રમો ચાલી રહ્યા હતા, જે આજે તેની ચરમસીમાએ પહોંચ્યા છે.

દિવસભર ચાલનારા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ આજે સાંજની 'મહા સંધ્યા આરતી' બની રહેશે. સાંજે 7 કલાકે યોજાનારી આ ઐતિહાસિક આરતીમાં અંદાજે 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. નાસિક ઢોલ અને તાસા ગ્રુપના ગુંજારવ વચ્ચે જ્યારે હજારો દીવડાઓ એકસાથે પ્રજ્વલિત થશે, ત્યારે આખું સાળંગપુર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠશે. આ તકે આકાશમાં ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ ઉત્સવને અવિસ્મરણીય બનાવશે. 

કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિર પ્રશાસન દ્વારા સુરક્ષા અને દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દુર-દુરથી આવેલા શ્રદ્ધાળુઓ સુખરૂપ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી શકે.