સલમાન ખાનની ફિલ્મ પર સંકટના વાદળો: અભિનેતા પ્રશાંત તમાંગના અવસાનથી પ્રોજેક્ટ અધ્ધરતાલ
બોલિવૂડ અને સંગીત જગતમાં ત્યારે શોકની લહેર ફરી વળી જ્યારે જાણીતા સિંગર અને એક્ટર પ્રશાંત તમાંગનું 45 વર્ષની વયે કાર્ડિયેક એટેકથી આકસ્મિક નિધન થયું. પ્રશાંતના જવાથી માત્ર કલાજગતને જ ખોટ નથી પડી, પરંતુ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી બિગ બજેટ ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ' પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. પ્રશાંત તમાંગ આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે શક્તિશાળી ભૂમિકા ભજવી રહ્યો હતો. તેણે ફિલ્મના ઘણા મહત્વના દ્રશ્યોનું શૂટિંગ પહેલેથી જ પૂર્ણ કરી લીધું હતું. જોકે, હજુ પણ ફિલ્મના બે મોટા શિડ્યુલ બાકી હતા, જેમાં સલમાન ખાન સાથેના મુખ્ય એક્શન સીક્વન્સ શૂટ કરવાના બાકી હતા.
પ્રશાંતના નિધનથી ફિલ્મસર્જકો હવે ભારે મૂંઝવણમાં મુકાયા છે.આ અણધારી ઘટનાને કારણે ફિલ્મની રિલીઝમાં મોટો વિલંબ થવાની પૂરી શક્યતા છે. અગાઉ આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, ત્યારબાદ તેને એપ્રિલ 2026 માં રિલીઝ કરવાની યોજના ઘડવામાં આવી હતી. પરંતુ હવે વિલનનું પાત્ર અધૂરું હોવાથી સર્જકો પાસે રિલીઝ ડેટ આગળ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. ફિલ્મસર્જકો પ્રશાંત તમાંગના બાકી રહેલા દ્રશ્યોને પૂર્ણ કરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. આ ફિલ્મનું નામ પહેલાં 'બેટલ ઓફ ગલવાન' રાખવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી બદલીને 'માતૃભૂમિ' કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય જોડી તરીકે જોવા મળશે. ફિલ્મ દેશભક્તિ અને યુદ્ધના વિષય પર આધારિત હોવાથી દર્શકોમાં તેની ભારે આતુરતા છે. ફિલ્મની આખી ટીમ અત્યારે શોકમાં છે અને પ્રશાંત તમાંગને એક પ્રતિભાશાળી કલાકાર તરીકે યાદ કરી રહી છે. ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી આશા રાખી રહી છે કે આ મુશ્કેલ સમયમાંથી રસ્તો નીકળશે અને સલમાન ખાનનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ટૂંક સમયમાં રૂપેરી પડદે જોવા મળશે.