કોહલી-બટલરના રેકોર્ડની બરાબરી...સમીર રિઝવીએ રચ્યો નવો કીર્તિમાન, સતત 3 મેચમાં બન્યો 'મેન ઓફ ધી મેચ'
IPL 2026ની શરૂઆત દિલ્હી કેપિટલ્સ અને તેના યુવા સ્ટાર બેટર સમીર રિઝવી માટે શાનદાર રહી છે. દિલ્હીએ આ સીઝનમાં રમેલી બંને મેચોમાં વિજય મેળવ્યો છે અને આ જીતના ખરા હીરો તરીકે સમીર રિઝવી ઉભરી આવ્યો છે. મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરવાની તેની ક્ષમતાને કારણે દિલ્હીનું મધ્યક્રમ અત્યંત મજબૂત બન્યું છે, જે ટીમના વિજયનું મુખ્ય રહસ્ય સાબિત થઈ રહ્યું છે. સીઝનની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે નંબર 4 પર બેટિંગ કરતા રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. આ લયને જાળવી રાખતા તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની બીજી મેચમાં વધુ આક્રમક અંદાજ અપનાવ્યો અને માત્ર 51 બોલમાં 90 રનની તોફાની ઈનિંગ રમી હતી.
આ બંને મેચોમાં તેની શાનદાર બેટિંગ માટે તેને પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમીર રિઝવીએ માત્ર આ સીઝન જ નહીં, પરંતુ ગત સીઝનના અંતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. IPL 2025ની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે તેણે 25 બોલમાં અણનમ 58 રન બનાવીને પ્લેયર ઓફ ધી મેચનો એવોર્ડ જીત્યો હતો. આમ, ગત સીઝનની એક અને આ સીઝનની બે મેચો મળીને તેણે સતત આ સિદ્ધિ સાથે સમીર રિઝવી IPL ઈતિહાસમાં સતત ત્રણ વખત પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ જીતનાર માત્ર 8મો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં જેક્સ કાલિસ, વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી અને જોસ બટલર જેવા વિશ્વના દિગ્ગજ ક્રિકેટરો સામેલ છે.
વર્ષ 2020માં ઋતુરાજ ગાયકવાડે આ પરાક્રમ કર્યું હતું અને હવે 6 વર્ષ બાદ રિઝવીએ આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સતત બે મેચમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમીને સમીર રિઝવી હાલમાં IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે બે મેચમાં કુલ 160 રન બનાવ્યા છે અને તે આ સીઝનમાં 150 રનનો આંકડો પાર કરનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. જે પ્રકારે તે બેટિંગ કરી રહ્યો છે, તે જોતા તે આખી સીઝન દરમિયાન ઓરેન્જ કેપની રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.