સાણંદના ચરલ પાસે બે કિશોરીઓ પાણીમાં ગરકાવ, રસોઈકામ કરતા શ્રમિક પરિવારમાં આક્રંદ

વતનથી સેંકડો કિલોમીટર દૂર, સારી જિંદગીની આશાએ મજૂરી કરવા આવેલા એક પરિવાર પર આજે કુદરતે રૂઠ્યો હોય તેમ આભ તૂટી પડ્યું છે. સાણંદના ચરલ ગામ પાસે રસોઈકામ કરી ગુજરાન ચલાવતા બિહારના શ્રમિક પરિવારની બે લાડકવાઈઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ. હસતી-રમતી દીકરીઓના અચાનક વિદાયથી શ્રમિક વસાહતમાં આક્રંદ છવાઈ ગયો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચરલ ગામના તળાવમાં આજે બપોરે એક મોટી જળ હોનારત સર્જાઈ હતી. તળાવમાં કપડાં ધોવા ગયેલી ચાર કિશોરીઓ નહાવા માટે પાણીમાં ઉતરી હતી, પરંતુ પાણીના ઊંડાણને ન સમજી શકતા ચારેય ડૂબી હતી.
આ ઘટનામાં બે કિશોરીઓનો આબાદ બચાવ થયો છે, જ્યારે બે કિશોરીઓના કરુણ મોત નીપજ્યા છે. ઉનાળાની શરૂઆતે જ તળાવમાં નહાવાનું સાણંદના એક પરિવાર માટે કાળ સાબિત થયું છે. સાણંદ પાસે આવેલી ભંગાર કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારની બે બાળકીઓ કાજલ અને ચાંદનીના તળાવમાં ડૂબી જવાથી જીવ ગયા છે. તળાવના અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાની આ નાનકડી ભૂલ કાયમી શોકમાં ફેરવાઈ ગઈ છે.
સાણંદના ચરલ ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી બે કિશોરીઓના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બિહારથી આવેલા શ્રમિક પરિવારની દીકરીઓ અન્ય સખીઓ સાથે તળાવે ગઈ હતી, જ્યાં આ કરુણ દુર્ઘટના ઘટી હતી. સાણંદ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.