ડ્રગ્સના ખેલનાં ખેલાડીઓ : ડ્રગ્સના ડોઝથી ડિલિવરીમાં ફિઝા જોડાઈ, રાજસ્થાન મુંબઈ સુધી કનેક્શન...
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા અને યુવાધનને બરબાદી તરફ જતું રોકવા માટે અપાયેલી કડક સૂચનાઓના પગલે સાણંદ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. સાણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ટી. ગોહિલ અને તેમની ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વો પર બાજ નજર રાખી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ સુરેન્દ્રસિંહને એક ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી કે સાણંદના રાધે ગોવિંદ ફ્લેટમાં રહેતો ધવલ ઉર્ફે લવલી મનુભાઇ દરજી પોતાની 'બાબા ફેશન' નામની કપડાંની દુકાનની આડમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે.
કપડાંની આડમાં ‘MD ડ્રગ્સ’નો વેપલો ચાલતો
આ બાતમીના આધારે સાણંદ પોલીસની ટીમે વ્યૂહાત્મક રીતે નાળાની ભાગોળ પાસે આવેલી બાબા ફેશન નામની દુકાનમાં ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન પોલીસને દુકાનમાંથી 21.48 ગ્રામ નશાકારક મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 2,14,800/- રૂપિયા થાય છે. આ ઉપરાંત ડ્રગ્સના નાના પેકેટો બનાવી વેચવા માટે રાખેલી પ્લાસ્ટિકની ઝીપલોક વાળી ખાલી પડીકીઓ અને 30,000/- રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 2,44,800/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલીની અટકાયત કરી હતી. આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સપ્લાયરોના નામ પણ ખુલ્યા હતા, જેના આધારે પોલીસે આ આખા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
રાજસ્થાન કનેક્શન : આરોપીની ધરપકડ
આ કેસમાં માત્ર સ્થાનિક વેચનાર જ નહીં, પરંતુ રાજ્યના અન્ય વિસ્તારો અને પડોશી રાજ્ય રાજસ્થાન સુધી ફેલાયેલા ડ્રગ્સ સપ્લાયરોના તાર પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં સપ્લાય કરનાર તરીકે રાજસ્થાનના ઉદેપુરની ફિઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, ડીસાના વીકીકુમાર મનુભાઇ ઠાકોર અને અમદાવાદ બાપુનગરના જય પ્રદિપભાઇ પટેલની ધરપકડ કરી છે.
કાયદેસરની કાર્યવાહી
આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાણંદ પોલીસની આ બાહોશ કામગીરીથી ડ્રગ્સના રવાડે ચઢેલા અને ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશન દ્વારા પોલીસે યુવાધનને નશાના માર્ગે ધકેલતા મોટા નેટવર્કને તોડી પાડવામાં સફળતા મેળવી છે.
અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટ
અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, સાણંદમાં આવેલી 'બાબા ફેશન' નામની કપડાની દુકાનમાં ધવલ ઉર્ફે લવલી મનુ દરજી નામનો શખ્સ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી 2.14 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ધવલની કડક પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સિન્ડિકેટના અન્ય સભ્યોના નામ ખુલતા પોલીસે વીકી મનુ ઠાકોર અને જય પ્રદીપ પટેલની પણ ધરપકડ કરી છે. આ સિન્ડિકેટમાં રાજસ્થાનના ઉદયપુરની ફિઝા ઉર્ફે મુસ્કાન અનવર પઠાણ નામની યુવતી પણ સામેલ હતી, જે મુખ્યત્વે રાજસ્થાન અને મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચાણ કરતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જય પટેલ બાપુનગરનો છે, જ્યારે વીકી ઠાકોર ડીસાનો વતની છે અને તેની સામે અગાઉ મર્ડર તથા પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વીકી પાંચ વર્ષ જેલમાં રહીને જામીન પર બહાર આવ્યો હતો અને મુસ્કાન સાથે સંબંધમાં હોવાથી આ કાળા કારોબારમાં જોડાયો હતો. આરોપી ધવલ અને મુસ્કાનની મુલાકાત એક સ્પામાં થઈ હતી અને ત્યારબાદ આ ચારેય આરોપીઓ પોતે ડ્રગ્સના બંધાણી બન્યા બાદ નશો પૂરો કરવા અને પૈસા કમાવવા ડ્રગ્સના પેડલર બની ગયા હતા. આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.