સાણંદ : રીક્ષામાં લિફ્ટ આપવાના બહાને લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ : સોનાના બટન લૂંટી વૃદ્ધને માર મારનાર પ્રકાશ પટણી સહિત 4 આરોપી જેલભેગા...
અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા હાઈવે પર મુસાફરોને લિફ્ટ આપવાના બહાને રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી એક ખતરનાક ગેંગને સાણંદ પોલીસે દબોચી લીધી છે. આ ગેંગે ગત 31 માર્ચના રોજ એક 85 વર્ષીય નિસહાય વૃદ્ધને નિશાન બનાવી, તેમને રીક્ષામાં બેસાડ્યા બાદ છરીની અણીએ આતંક મચાવ્યો હતો. લૂંટારુઓએ વૃદ્ધને નિર્દયતાથી ઢીકાપાટુનો માર મારી તેમના શર્ટ (પહેરણ)માં લગાવાયેલા સોનાના ચાર કિંમતી બટન આંચકી લીધા હતા અને ત્યારબાદ ચાલુ રીક્ષાએ તેમને ધક્કો મારી રસ્તામાં ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સાણંદ પોલીસના મળેલી બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અમદાવાદના કુખ્યાત પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી, રીક્ષા ચાલક વિજય, દિલીપ અને પૂનમ નામના શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કુખ્યાત ગુનેગાર પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી છે, જેની સાથે રીક્ષા ચાલક વિજય, દિલીપ અને પૂનમ નામના શખ્સો પણ આ ગુનામાં સામેલ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી પ્રકાશ પટણી અત્યંત રીઢો ગુનેગાર સાબિત થયો છે, જેના વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણ સહિતના વિવિધ જિલ્લાઓમાં લૂંટ અને ચોરી જેવા કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ પેસેન્જરના સ્વાંગમાં રીક્ષામાં બેસી રહેતી હતી જેથી એકલદોકલ મુસાફરોને શંકા ન જાય અને ખાસ કરીને વૃદ્ધોને સોફ્ટ ટાર્ગેટ બનાવી લૂંટને અંજામ આપતી હતી.
સાણંદ પોલીસે બાતમીના આધારે આ ચારેય શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી વૃદ્ધના લૂંટાયેલા સોનાના ચાર બટન, ગુનામાં વપરાયેલી રીક્ષા, મોબાઈલ ફોન અને છરી સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે અન્ય આરોપીઓ પણ અગાઉ બાવળા અને આસપાસના વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.
આ સફળ કામગીરીથી હાઈવે પર લિફ્ટ લેતા મુસાફરોમાં ફેલાયેલો ભય ઓછો થયો છે અને પોલીસે આ ગેંગ દ્વારા અન્ય કોઈ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.