મોનાલિસા આંતરધર્મ લગ્ન વિવાદ: દિગ્દર્શક સનોજ મિશ્રાનો આરોપ, 'લવ જેહાદ' દબાવવા PFI મને નિશાન બનાવી રહ્યું છે
કુંભ મેળા ગર્લ મોનાલિસા દ્વારા લગાવવામાં આવેલા ગેરવર્તણૂકના આરોપો બાદ દિગ્દર્શક સનોજ મિશ્રાએ વળતો પ્રહાર કર્યો છે. મુંબઈ ખાતે વાતચીત કરતા તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના ઇશારે મોનાલિસાના પતિ દ્વારા 'લવ-જેહાદ' ના મુખ્ય મુદ્દાને દબાવવા અને તેમને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.
મોનાલિસા 'લવ જેહાદ' નો શિકાર, મેં ન્યાય માંગ્યો એટલે ફસાયો: મિશ્રા
દિગ્દર્શક સનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે મોનાલિસા લવ જેહાદની શિકાર બની છે. બાગપતનો એક યુવક ઉજ્જૈન આવ્યો, હિન્દુ પ્રથા મુજબ રક્ષાપોટલી બાંધીને તેને પોતાની સાથે લઈ ગયો અને કેરળમાં જઈને તેની સાથે લગ્ન કર્યા. મિશ્રાના જણાવ્યા અનુસાર, મોનાલિસાના પરિવારે દાવો કર્યો હતો કે તેમની પુત્રી સગીર છે. પરિવારને ન્યાય અપાવવા માટે મિશ્રા મુખ્યમંત્રી મોહન યાદવ સુધી પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે દાવો કર્યો કે પોલીસ તપાસ શરૂ થતાં જ મોનાલિસાના પતિએ તેને હથિયાર બનાવીને આરોપો લગાવવાનું શરૂ કર્યું.
"છેડતીના આરોપો પાયાવિહોણા, મારી 35 વર્ષની કારકિર્દી દાવ પર"
પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા મિશ્રાએ કહ્યું કે, "લવ જેહાદના મુદ્દાને દબાવવા માટે મારી સામે આ તપાસ ઊભી કરવામાં આવી રહી છે, કારણ કે હું આખા દેશમાં આ વિશે બોલી રહ્યો છું. પેલા યુવકે મોનાલિસાને સમજાવી દીધું છે કે મેં તેને સ્પર્શ કર્યો છે. પરંતુ તેનો કોઈ જ પુરાવો કે સાક્ષી નથી, આ તદ્દન પાયાવિહોણું છે." તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે એક ગરીબ છોકરીને મદદ કરવા જતાં આજે તેમની 35 વર્ષની કારકિર્દી અને ફિલ્મના પૈસા દાવ પર લાગી ગયા છે.
PFI ના ફંડિંગ અને મૌલાનાના કાવતરાનો આક્ષેપ
મિશ્રાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે 15 દિવસ પહેલા સુધી મોનાલિસા તેમના વખાણ કરતી હતી, પરંતુ અચાનક તે બદલાઈ ગઈ અને પોતાના જ માતા-પિતાને લાલચુ અને દારૂડિયા કહેવા લાગી. તેમણે દાવો કર્યો કે આની પાછળ કોઈ મૌલાનાનો હાથ છે. PFI ના પૈસાના જોરે પેલો યુવક હવે ફ્લાઇટ્સમાં ફરે છે અને બાઉન્સર્સ રાખી રહ્યો છે. મિશ્રાનું કહેવું છે કે તેમની આગામી ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર' ધર્માંતરણ પર આધારિત હોવાથી PFI તેમને ટાર્ગેટ કરી રહ્યું છે. અગાઉ પણ તેમને ખોટા આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.
મોનાલિસાએ કેરળમાં પ્રેસ કોન્ફરન્સ યોજી લગાવ્યા હતા આરોપ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દિગ્દર્શકે 'લવ જેહાદ' અંગે નિવેદન આપ્યા બાદ, મોનાલિસાએ કેરળના કોચીમાં પોતાના પતિ ફરમાન સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેણીએ મિશ્રા પર ફિલ્મોમાં રોલ આપવાના બહાને સગીર છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે બંને પક્ષોના સામસામા આક્ષેપો બાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે.