સાયલાના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી.....મિનિ વાવાઝોડાએ તરબૂચની વાડીઓ કરી તહેસ-નહેસ
ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ફરી એકવાર જગતના તાતની કમર તોડી નાખી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ફૂંકાયેલા મિનિ વાવાઝોડા અને ભારે પવનના કારણે તરબૂચની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કુદરતી આફત સામે ખેડૂત પાયમાલ થયો છે. તૈયાર પાક જ્યારે બજારમાં જવાની તૈયારીમાં હતો, ત્યારે જ પ્રકૃતિના પ્રકોપે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને ફૂંકાયેલા ભારે પવનને કારણે જગતના તાત પર આભ ફાટ્યું છે.
કમોસમી વરસાદ અને મિનિ વાવાઝોડા જેવા માહોલે ઉનાળુ પાક તરીકે તરબૂચનું વાવેતર કરનારા ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. રાત-દિવસ એક કરીને પકવેલો પાક જ્યારે બજારમાં જવાની તૈયારીમાં હતો, ત્યારે જ કુદરતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે.ઉનાળાની સિઝનમાં સારું વળતર મળશે તેવી અપેક્ષાએ તેમણે બિયારણ, ખાતર અને મજૂરી પાછળ ખર્ચ કર્યો હતો. જોકે, પાક તૈયાર થવાના આરે હતો ત્યારે જ ફૂંકાયેલા ભારે પવન અને માવઠાએ ખેતરમાં તારાજી સર્જી છે, જેના કારણે તૈયાર પાક બગડી ગયો છે.
પરંતુ સાયલા પંથકના અનેક ખેડૂતો અત્યારે પોતાના બાગાયતી પાકને થયેલા નુકસાનને લઈને ચિંતાતૂર બન્યા છે.ભર ઉનાળે વાતાવરણમાં આવેલા આ અણધાર્યા પલટાથી ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે. પાયમાલ થયેલા ખેડૂતો હવે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે, તંત્ર દ્વારા વહેલી તકે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને પીડિત ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે.