શરીરની ભાષાથી જાણો કોણ બોલે છે જૂઠું, માત્ર ચહેરાના હાવભાવ જ નહીં, તાપમાન પણ આપે છે સંકેત
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે, ત્યારે તેનું શરીર જ તેની પોલ ખોલી દે છે? મનોવિજ્ઞાન અને આધુનિક સંશોધનો મુજબ, જૂઠું બોલવું એ માત્ર માનસિક પ્રક્રિયા નથી, પરંતુ તેની સીધી અસર આપણા શરીરના તાપમાન અને હાવભાવ પર પણ પડે છે. સ્પેનની ગ્રેનાડા યુનિવર્સિટીના તાજેતરના અહેવાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જૂઠું બોલતી વખતે શરીરનો એક ખાસ ભાગ ગરમ થઈ જાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'પિનોકિયો ઈફેક્ટ' કહેવામાં આવે છે. જૂઠું બોલનાર વ્યક્તિ ભલે ગમે તેટલો આત્મવિશ્વાસ બતાવવાનો પ્રયાસ કરે, પરંતુ મગજ પર પડતું દબાણ અને રક્ત પરિભ્રમણમાં થતા ફેરફારો તેને પકડાવી દે છે.
આંખનો સંપર્ક ટાળવો, નાક ગરમ થવું કે બોલવાની ગતિમાં આવતો બદલાવ માત્ર એક મિનિટમાં જૂઠાણાનો પર્દાફાશ કરી શકે છે, જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલે છે, ત્યારે તેના નાક અને આંખના ખૂણાની આસપાસના ભાગનું તાપમાન વધી જાય છે. આ ઘટનાને વિજ્ઞાનમાં 'પિનોકિયો ઈફેક્ટ' કહેવામાં આવે છે. મગજમાં થતી મથામણને કારણે રક્ત પરિભ્રમણ વધે છે અને નાક ગરમ અનુભવાય છે, જેના કારણે જૂઠું બોલનાર વ્યક્તિ વારંવાર નાક ખંજવાળતી જોવા મળે છે.
ચહેરાના હાવભાવ અને મગજની સક્રિયતા
જૂઠું બોલતી વખતે વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગી જાય છે, જેની સીધી અસર તેના ચહેરાના હાવભાવ પર પડે છે. મગજ વધુ સક્રિય થવાને કારણે ચહેરાના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. જૂઠું બોલનાર વ્યક્તિ નકલી સામાન્ય પ્રતિક્રિયા આપવાનો ગમે તેટલો પ્રયાસ કરે, પરંતુ તેના ચહેરા પર દેખાતી અસ્વસ્થતા સ્પષ્ટપણે પકડાઈ જાય છે.
આંખનો સંપર્ક અને બોડી લેંગ્વેજ
મનોવિજ્ઞાન મુજબ, જૂઠું બોલતી વખતે વ્યક્તિ સામેવાળી વ્યક્તિ સાથે આંખનો સંપર્ક ટાળે છે. તે સતત પોતાની નજર દૂર કરવાનો પ્રયાસ કરે છે અથવા અસામાન્ય રીતે આંખો પટપટાવે છે. આ ઉપરાંત, હાથ-પગની હિલચાલમાં અચાનક બદલાવ આવવો અથવા વારંવાર ગળાને અડવું એ પણ જૂઠું બોલતી વખતે શરીરમાં ઉદ્ભવતા ગભરાટના મનોવૈજ્ઞાનિક સંકેતો છે.
વાણીમાં ફેરફાર અને સાવચેતી
જૂઠું બોલનાર વ્યક્તિની બોલવાની ઝડપમાં પણ તફાવત જોવા મળે છે. પકડાઈ જવાના ડરથી તેઓ કાં તો ખૂબ જ ઝડપથી બોલવા લાગે છે અથવા વાક્યો ગોઠવવા માટે અત્યંત ધીમે અને વિચારીને બોલે છે. જોકે, નિષ્ણાતો માને છે કે માત્ર એક સંકેતના આધારે કોઈને જૂઠું ન ઠેરવી શકાય, પરંતુ જ્યારે આ તમામ શારીરિક ફેરફારો એકસાથે જોવા મળે, ત્યારે જૂઠાણું પકડવું ઘણું સરળ બની જાય છે.