CCTV કેમેરાથી સુરક્ષા કે જાસૂસી ? ભારતમાં ચાઇનીઝ કેમેરા પર 1 એપ્રિલથી પ્રતિબંધની તૈયારી !!
ડિજિટલ યુગમાં સુરક્ષા માટે લગાવાયેલા CCTV કેમેરા હવે પોતે જ એક મોટું જોખમ બની રહ્યા છે. ખાસ કરીને વિદેશી અને વગર સર્ટિફિકેશનના કેમેરા દ્વારા સંવેદનશીલ ડેટા અને વીડિયો ફીડ્સ દુશ્મન દેશોના સર્વર સુધી પહોંચવાની આશંકાએ ભારત સરકારને ચોંકાવી દીધી છે. જાસૂસીના આ ભયને દૂર કરવા માટે હવે સરકાર કડક નિયમો લાગુ કરવા જઈ રહી છે.
ભારતમાં CCTV કેમેરાની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર એક અત્યંત મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, આગામી 1 April થી Hikvision, Dahua અને TP-Link જેવી મોટી ચાઈનીઝ બ્રાન્ડ્સના CCTV કેમેરાના વેચાણ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ દેશની આંતરિક સુરક્ષા અને ડેટા પ્રાઈવસીની સુરક્ષા છે.
પાકિસ્તાની એજન્સી ISI સુધી પહોંચી ફીડ્સ:
થોડા સમય અગાઉ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દેશના વ્યૂહાત્મક રીતે મહત્વના એવા રેલવે સ્ટેશનો પર લાગેલા CCTV કેમેરાની લાઈવ ફીડ્સ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સુધી પહોંચી રહી હતી. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સરકારના નવા આદેશ મુજબ હવે સરકારી કચેરીઓમાં માત્ર એવા જ કેમેરા લગાવી શકાશે જે સંપૂર્ણપણે સર્ટિફાઈડ અને સુરક્ષિત હોય.
કેવી રીતે થાય છે ડેટાની ચોરી?
આજના સ્માર્ટ CCTV કેમેરા સીધા ઈન્ટરનેટ અને કંપનીના સર્વર સાથે જોડાયેલા હોય છે. જો કેમેરાનું સોફ્ટવેર કે સર્વર વિદેશી કંપનીના નિયંત્રણમાં હોય, તો યુઝરની જાણ બહાર વીડિયો ફીડ્સ અન્ય દેશમાં મોકલી શકાય છે. આ જોખમને ટાળવા માટે સરકાર હવે દરેક કેમેરાનું હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટી લેવલ પર કડક ટેસ્ટિંગ કરશે. સર્ટિફિકેશન વગરના કેમેરાના વેચાણ પર હવે ભારતમાં પૂર્ણવિરામ મુકાશે.
બજાર પર અસર અને સાયબર વોરનો ખતરો:
સરકારના આ નિર્ણયથી બજારમાં સસ્તા ચાઈનીઝ કેમેરા બંધ થતા કિંમતોમાં વધારો થઈ શકે છે, પરંતુ તેનાથી ભારતીય કંપનીઓ માટે નવી તકો ઊભી થશે. નિષ્ણાતોના મતે, યુદ્ધ કે સાયબર વોરના સમયે દુશ્મન દેશો આ કેમેરા હેક કરીને ચોક્કસ વ્યક્તિઓને નિશાન બનાવી શકે છે, જેવું હાલમાં ઈરાન અને ઈઝરાયલના સંઘર્ષમાં જોવા મળ્યું છે.
સરકાર હવે હાલના તમામ જાહેર સ્થળોના CCTV કેમેરાનું ઓડિટ કરાવવાની દિશામાં પણ વિચારી રહી છે, કારણ કે લાખો કેમેરાના પાસવર્ડ ક્યારેય બદલાયા નથી અથવા સોફ્ટવેર અપડેટ થયા નથી, જે સૌથી વધુ 'સોફ્ટ ટાર્ગેટ' છે.