પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરનો સનાતન પ્રેમ કે વિવાદ? 'અમે 6 બાળકો આપ્યા, તમે 3 તો કરો' - સીમાનું નિવેદન ચર્ચામાં
ગ્રેટર નોઈડામાં રહેતી અને પાકિસ્તાનથી સરહદ ઓળંગીને ભારત આવેલી સીમા હૈદર પોતાના નિવેદનોને કારણે ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. સીમાએ સનાતન ધર્મ અને હિન્દુઓની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરતા એક ચોંકાવનારી સલાહ આપી છે. સીમા હૈદરે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં બાળકોને લઈને લોકોની માનસિકતા બદલાઈ રહી છે. લોકો હવે માત્ર એક કે બે બાળકોનો જ વિચાર કરે છે, જે સનાતન ધર્મ માટે ચિંતાનો વિષય છે. તેણે હિન્દુઓને અપીલ કરી છે કે ભારતમાં પ્રત્યેક સનાતનીએ કમસે કમ બે થી ત્રણ બાળકો પેદા કરવા જોઈએ.
સીમાએ પોતાના નિવેદનમાં અન્ય ધર્મોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમુક ધર્મના લોકો 6 થી 8 બાળકો પેદા કરીને સતત પોતાની વસ્તી વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સનાતનીઓએ પાછળ ન રહેવું જોઈએ અને પોતાની વસ્તીનું સંતુલન જાળવી રાખવા માટે વધુ બાળકો પેદા કરવા જોઈએ. પોતાના અંગત જીવનનો દાખલો આપતા સીમાએ ગર્વ સાથે કહ્યું કે, "અમે સાચા સનાતની છીએ, અમે દેશને 6 બાળકો આપ્યા છે." નોંધનીય છે કે સીમા પાકિસ્તાનથી ચાર બાળકો સાથે આવી હતી અને સચિન મીણા સાથેના લગ્ન બાદ તેણે વધુ બે બાળકોને જન્મ આપ્યો છે.
તાજેતરમાં જ તેણે તેના છઠ્ઠા બાળકને જન્મ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ વિવિધ કાર્યક્રમોમાં સનાતન ધર્મના રક્ષણ અને વસ્તી સંતુલન માટે ત્રણ બાળકોની વાત કરી ચૂક્યા છે. હવે સીમા હૈદર પણ એ જ સૂર પૂરાવી રહી હોવાથી સોશિયલ મીડિયા પર આ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. સીમા હૈદરના આ વીડિયો અને નિવેદન બાદ લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
કેટલાક લોકો તેને સનાતન ધર્મની રક્ષક ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા બદલ ટીકા કરી રહ્યા છે. જોકે, સીમાએ સ્પષ્ટ કર્યું છે કે તે સનાતન ધર્મ પ્રત્યે પૂરી નિષ્ઠા ધરાવે છે અને હિન્દુઓએ પોતાની સંખ્યા વધારવી જ જોઈએ.