April 9, 2026
ગુજરાત

શિક્ષણ વિભાગના પાવર સામે સેવન્થ ડે સ્કૂલનો જંગ, હાઇકોર્ટમાં સોમવારે થશે  ફેંસલો!

04:22:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શિક્ષણ વિભાગના પાવર સામે</strong></span> સેવન્થ ડે સ્કૂલનો જંગ, હાઇકોર્ટમાં સોમવારે થશે  ફેંસલો!</p>

અમદાવાદની ખ્યાતનામ સેવન્થ ડે સ્કૂલનું સંચાલન શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક લેવાના નિર્ણય સામે હવે કાયદાકીય લડાઈ તેજ બની છે. શાળાના મેનેજમેન્ટે સિંગલ જજ દ્વારા સ્ટે આપવાના ઇનકાર બાદ ગુજરાત હાઇકોર્ટની ડબલ જજની બેન્ચ (ચીફ જસ્ટિસની બેન્ચ) સમક્ષ અપીલ દાખલ કરી છે. આ અરજીમાં શાળાએ સરકારના વહીવટકર્તા નીમવાના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. શાળા મેનેજમેન્ટની મુખ્ય રજૂઆત છે કે સરકારે એકાએક શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો છે, જેના કારણે શાળાની રોજબરોજની કામગીરી ખોરવાઈ છે.

હાલમાં DEO શાળાના વહીવટકર્તા તરીકે કાર્ય કરી રહ્યા છે અને સૌથી મોટી ચિંતા એ છે કે નવા શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણયથી શાળાના અસ્તિત્વ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. આ સમગ્ર વિવાદની જડમાં શાળામાં બનેલી એક કમનસીબ ઘટના છે, જેમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ DEO એ તપાસ સમિતિની નિમણૂક કરી હતી. જોકે, શાળાનો આરોપ છે કે તપાસ સમિતિએ તૈયાર કરેલો પ્રાથમિક અહેવાલ હજુ સુધી મેનેજમેન્ટને આપવામાં આવ્યો નથી.

રિપોર્ટ જોયા વગર જ સીધા પગલાં લેવા તે અતાર્કિક હોવાની દલીલ પણ કરવામાં આવી છે. અરજદારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે સેવન્થ ડે સ્કૂલ વર્ષ 1987થી કાર્યરત છે અને તે એક લઘુમતી (માઈનોરિટી) સંસ્થા છે. કાયદાકીય રીતે માઈનોરિટી સંસ્થાનું મેનેજમેન્ટ આ રીતે સીધેસીધું સરકાર હસ્તક લઈ શકાય નહીં. શાળાનો દાવો છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે, તેમ છતાં સરકાર દ્વારા તેમના પર ફોજદારી જવાબદારી થોપવાનો અને વહીવટ છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાઇકોર્ટની ડબલ જજની બેન્ચે આ મામલે સરકારની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

કોર્ટે નોંધ્યું કે તપાસ કમિટીનો રિપોર્ટ શાળાને સોંપવામાં આવ્યો નથી અને તેમને કોઈ 'શો-કોઝ નોટિસ' પણ આપવામાં આવી નથી. રજૂઆતની પૂરતી તક આપ્યા વગર કોઈ પણ સંસ્થા સામે આકરા પગલાં લેવા તે 'કુદરતી ન્યાયના સિદ્ધાંત'નો સ્પષ્ટ ભંગ છે. હાઇકોર્ટે હવે આ મામલે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે. સોમવારની સુનાવણીમાં સરકારને જણાવવું પડશે કે શું તેઓ શાળાને તપાસ રિપોર્ટ સોંપશે અને મેનેજમેન્ટને સાંભળવાની તક આપશે કે કેમ. સોમવારની આ સુનાવણી સેવન્થ ડે સ્કૂલના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે, કારણ કે તેના આધારે જ નક્કી થશે કે મેનેજમેન્ટ પરથી સરકારી અંકુશ હટશે કે નહીં.