April 5, 2026
ગુજરાત

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : 'મૃતક કિશોર આરોપીને હેરાન કરતો હતો', હાઈકોર્ટે સુધારણાલક્ષી અભિગમ અપનાવી સગીરના જામીન મંજૂર કર્યા...

11:10:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : </strong></span>'મૃતક કિશોર આરોપીને હેરાન કરતો હતો', <strong>હાઈકોર્ટે સુધારણાલક્ષી અભિગમ અપનાવી સગીરના જામીન મંજૂર કર્યા...</strong></p>

અમદાવાદની ચકચારી સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં એક મહત્વનો વળાંક આવ્યો છે. શહેરની ચિલ્ડ્રન કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આ મામલે ઉદાર અને માનવીય અભિગમ અપનાવતા સગીરની જામીન અરજી મંજૂર કરી છે. અદાલતે આ ચુકાદો આપતી વખતે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટના મૂળ હેતુને પ્રાધાન્ય આપ્યું છે, જે અંતર્ગત ગુનો કરનાર બાળકની સજા કરતાં તેના સુધારા અને પુનર્વસન પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર અને મૃતક કિશોરની માતાના વકીલે જામીનનો સખત વિરોધ કર્યો હતો, પરંતુ અદાલતે તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ કિશોરને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રોબેશન ઓફિસરના રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, આ કરુણ ઘટના પાછળ પરસ્પરની હેરાનગતિ પણ એક કારણ હોવાનું જણાય છે; જેમાં ઉલ્લેખ કરાયો છે કે હત્યાની ઘટના બની તે પહેલા મૃતક કિશોર પોતે કાયદાના સંઘર્ષમાં આવેલા આ સગીરને સતત હેરાન કરતો હતો. જોકે, રિપોર્ટમાં એ બાબતની પણ નોંધ લેવામાં આવી છે કે આરોપી કિશોર ગુસ્સાવાળા સ્વભાવનો છે અને અગાઉ તે ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી જવાનો પ્રયાસ પણ કરી ચૂક્યો છે. આ ઘટના બાદ તેને સેવન્થ ડે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આમ છતાં, હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી પોતે પણ એક શાળાએ જતું બાળક છે અને લાંબા સમય સુધી તેને કસ્ટડીમાં રાખવાને બદલે સમાજમાં પુનઃસ્થાપિત કરવાની તક આપવી જોઈએ.

વર્તમાન સ્થિતિએ આ કેસની ટ્રાયલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ પૂરજોશમાં ચાલી રહી છે. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 55 સાહેદો દર્શાવવામાં આવ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 17 સાહેદોની ઊલટતપાસ અને જુબાની પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રાયલ હજુ લાંબી ચાલે તેમ હોવાથી અને કિશોરનું ભવિષ્ય જોખમાય નહીં તે હેતુથી, હાઈકોર્ટે તેને તેના પિતા દ્વારા રજૂ કરવામાં આવતા 10 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડની શરતે જામીન આપ્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે કાયદાનો હેતુ સગીરોને ગુનેગાર તરીકે ટ્રીટ કરવાને બદલે તેમને સાચી રાહ બતાવવાનો છે, જેના આધારે આ રાહત આપવામાં આવી છે.