કિંગ ખાનના કલેક્શનમાં શાનદાર કારનો ઉમેરો, હાર્દિક પંડ્યા બાદ શાહરૂખ ખાને વસાવી કરોડોની લક્ઝરી સવારી
બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન તેના વૈભવી જીવનશૈલી અને મોંઘી કારોના શોખ માટે જાણીતા છે. તાજેતરમાં કિંગ ખાનના લક્ઝરી કાર કલેક્શનમાં વધુ એક કિંમતી રત્ન ઉમેરાયું છે. શાહરૂખ ખાને પ્રીમિયમ મલ્ટી-પર્પઝ વ્હીકલ Mercedes-Benz V-Class ખરીદી છે. આ નવી કાર તેમના કામચલાઉ નિવાસસ્થાન 'પૂજા કાસા'ની બહાર જોવા મળી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખ ખાન પહેલા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ આ જ મોડેલની કાર ખરીદી હતી. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા માટે આશરે ₹1.40 કરોડની કિંમતની Mercedes-Benz V-Class વસાવી હતી.
હાર્દિક બાદ હવે શાહરૂખ ખાન આ કારના ભારતના શરૂઆતના ગ્રાહકોમાં સામેલ થઈ ગયા છે, શાહરૂખ ખાને ખરીદેલી આ નવી લક્ઝરી MPVની કિંમત આશરે ₹1.4 કરોડ હોવાનું મનાય છે. આ વાહન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં મલ્ટિપલ એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ટ્રાફિક સાઇન ઓળખ અને ડ્રાઇવર એટેન્શન આસિસ્ટ જેવી સુરક્ષા સુવિધાઓ છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને લાંબી મુસાફરી માટે અત્યંત આરામદાયક માનવામાં આવે છે.
નવી મર્સિડીઝના ઉમેરા સાથે શાહરૂખ ખાનના ગેરેજની કિંમત હવે કરોડોમાં પહોંચી ગઈ છે, તેમના કલેક્શનમાં ₹12 કરોડની Bugatti Veyron, ₹14 કરોડની Rolls-Royce Cullinan Black Badge, અને રોલ્સ-રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ જેવી દુનિયાની સૌથી મોંઘી કારો સામેલ છે, તેમના સમગ્ર કાર કલેક્શનની કુલ કિંમત ₹30 કરોડથી ₹50 કરોડની વચ્ચે આંકવામાં આવે છે. શાહરૂખ ખાનનું આ નવું વાહન તેમના નવા સરનામે જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમનો પ્રખ્યાત બંગલો 'મન્નત' હાલ નવીનીકરણ હેઠળ હોવાથી કિંગ ખાન પોતાના પરિવાર સાથે હાલ 'પૂજા કાસા' નામના નિવાસસ્થાને રહેવા ગયા છે.
ફિલ્મી પડદે ધમાકેદાર વાપસી કર્યા બાદ શાહરૂખ ખાન હવે પોતાની પર્સનલ લાઈફ અને લક્ઝરી શોખને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. કરોડોની કાર હોય કે ભવ્ય બંગલો, કિંગ ખાન હંમેશા સાબિત કરે છે કે કેમ તેમને બોલિવૂડના અસલી 'બાદશાહ' કહેવામાં આવે છે. તેમની નવી કાર Mercedes-Benz V-Class હવે મુંબઈના રસ્તાઓ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.