April 4, 2026
રાજનીતિ

શશિ થરૂરના ગનમેન અને હુમલાખોરો વચ્ચે ઝપાઝપી, કેરળમાં તણાવ

12:10:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શશિ થરૂરના ગનમેન અને હુમલાખોરો વચ્ચે ઝપાઝપી, </strong></span>કેરળમાં તણાવ</p>

કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરના કાફલા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરૂર જ્યારે તેમના બે વાહનોના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે કારમાં આવેલા અંદાજે 8 જેટલા અજાણ્યા શખ્સોએ રસ્તો રોકી તેમની ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરોએ રસ્તાની વચ્ચે જ શશિ થરૂરના વાહનને ઘેરી લીધું હતું. ઉશ્કેરાયેલા શખ્સોએ જોરજોરથી કારના કાચ પીટવાનું શરૂ કર્યું હતું અને વાહનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હુમલાખોરોનો ઈરાદો કાફલાને નુકસાન પહોંચાડવાનો અને પ્રચારમાં ખલેલ પાડવાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સ્થિતિ વણસતી જોઈને જ્યારે શશિ થરૂરની સુરક્ષામાં તૈનાત ગનમેને વચ્ચે પડીને રસ્તો સાફ કરાવવાનો અને હુમલાખોરોને હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉપદ્રવીઓએ તેની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. સુરક્ષાકર્મી અને હુમલાખોરો વચ્ચે ભીષણ ઝપાઝપી થઈ હતી, જેના કારણે હાઈ પ્રોફાઇલ નેતાની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે આ મામલે ગુનો નોંધી અત્યાર સુધીમાં બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હુમલો કોઈ પૂર્વનિયોજિત રાજકીય કાવતરું હતું કે પછી રસ્તા પર થયેલા કોઈ તાત્કાલિક વિવાદનું પરિણામ હતું. કેરળની 140 વિધાનસભા બેઠકો માટે 9 એપ્રિલ 2026ના રોજ મતદાન થવાનું છે, જેનું પરિણામ 4 મેના રોજ જાહેર થશે. LDF, UDF અને NDA વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં આ હિંસક ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. ચૂંટણીના આરે વરિષ્ઠ નેતા પર થયેલો આ હુમલો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા જન્માવે છે.