લાંબી ઉમરનો શોર્ટકટ! માત્ર 10 મિનિટની મહેનતથી મળશે અદ્ભુત ફાયદો, ફક્ત આ કામ કરવાનું છે

જેમ જેમ ગરમીનો મોસમ આવે છે તેમ તેમ માણસની ફિઝિકલ એક્ટિવિટી ઘટવા લાગે છે. પરંતુ નવા સંશોધન અનુસાર, જો તમે ફિટ રહેવા માંગો છો અને બીમારીઓથી બચવા માંગો છો તો તમને સખત જીમની જરૂર નથી, ફક્ત 5થી 10 મિનિટની એક્સરસાઇઝ પૂરતી છે. આ એક્સરસાઇઝમાં સીડી ચઢવી, દોડવું જેવી સરળ પ્રવૃત્તિઓ પણ સામેલ હોઈ શકે છે.
યુકે બાયોબેંકના અભ્યાસમાં 96,408 લોકો પર 7 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં હૃદયરોગ, અનિયમિત ધડકન, ટાઇપ-2 ડાયાબિટીસ, લિવરની બીમારી, ફેફસાંની બીમારી, કિડનીની ક્રોનિક બીમારી, ડિમેન્શિયા અને ઇમ્યુનિટી સંબંધિત અન્ય બીમારીઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધુ તીવ્ર એક્સરસાઇઝ કરે છે તેમનામાં આ તમામ બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હોય છે. જે લોકો કોઈ એક્સરસાઇઝ જ નથી કરતા તેમની સરખામણીમાં પણ આ લોકો વધુ સુરક્ષિત રહે છે. આ નાની-નાની તીવ્ર પ્રવૃત્તિઓ હૃદયની બીમારી અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી સમસ્યાઓને રોકવામાં લાંબા વર્કઆઉટ જેટલી જ અસરકારક સાબિત થાય છે.
એક્સરસાઇઝ સ્નેકિંગ શું છે?
થોડા-થોડા સમય માટે કરવામાં આવતી એક્સરસાઇઝને Exercise Snacking કહેવામાં આવે છે. વિજ્ઞાન હવે આ Exercise Snackingનું સમર્થન કરી રહ્યું છે. આ એક એવી પદ્ધતિ છે જેના દ્વારા તમે દિવસમાં 5થી 10 મિનિટના નાના-નાના વર્કઆઉટ સેશન કરીને જાતને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.
દિલ અને શુગર માટે કેટલું ફાયદાકારક?
વૈજ્ઞાનિકોનું માનવું છે કે નાના પણ તીવ્ર વર્કઆઉટ સેશન શરીરમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે તમે દિવસમાં અનેક વખત નાની એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારું બ્લડ સુગર લેવલ સ્થિર રહે છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે. આ ઉપરાંત તે તમારી કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસને પણ વધારે છે. Exercise Snacking બ્લડ પ્રેશર ઘટાડવા અને કોલેસ્ટ્રોલ લેવલ સુધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે, જે લાંબા ગાળે તમારી આયુષ્ય વધારવામાં સહાયક બને છે.
ઓછા સમયમાં વધુ ફાયદો
Exercise Snackingનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના માટે કોઈ ફેન્સી જીમ કે ભારે એક્સરસાઇઝની જરૂર નથી. તમે તેને ક્યાંય પણ કરી શકો છો. સંશોધનો કહે છે કે જે લોકો દિવસમાં ત્રણ વખત 10-10 મિનિટની એક્ટિવિટી કરે છે તેમની ફિટનેસ તે લોકો જેટલી જ હોય છે જેઓ એક જ વખતમાં 30 મિનિટ એક્સરસાઇઝ કરે છે.
એક્સરસાઇઝને જીવનમાં કેવી રીતે ઉમેરવી?
સંશોધકોના અનુસાર, જો તમે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હોવ તો હંમેશા ચાલતા-ચાલતા વાત કરો. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો. ઘરે હોવ ત્યારે ટીવીના એડ દરમિયાન જમ્પિંગ જેક અથવા સ્ક્વોટ્સ કરી શકો છો. યાદ રાખો કે તમારું મુખ્ય ધ્યેય શરીરને હલાવવું છે.
માત્ર 10 મિનિટ તમારા આખા દિવસનો એક નાનો ભાગ છે, પરંતુ જો તમે તેને તમારી ફિટનેસ માટે વાપરશો તો તમને અદ્ભુત લાભ મળશે.