ભૂલી ગયા છો જૂની રીત? જમીન પર બેસીને જમવાના આ ફાયદા જાણીને તમે આજે જ ટેબલ-ખુરશી છોડી દેશો!
પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભોજન લેવાની રીત માત્ર એક જરૂરિયાત નહીં, પરંતુ એક 'સાધના' ગણવામાં આવતી હતી. આધુનિક યુગમાં ભલે ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓએ સ્થાન લીધું હોય, પરંતુ વર્ષોથી આપણા પૂર્વજો જમીન પર પલાંઠી વાળીને બેસીને જમવાનો આગ્રહ રાખતા હતા, આ પદ્ધતિ પાછળ માત્ર ધાર્મિક માન્યતાઓ જ નહીં, પરંતુ ગૂઢ વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યવર્ધક કારણો પણ છુપાયેલા છે. આયુર્વેદથી લઈને આધુનિક વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે જમીન પર બેસીને જમવાથી પાચનતંત્ર સુધરે છે, હૃદય પરનું દબાણ ઘટે છે.
બદલાતી જીવનશૈલીમાં જો આપણે ફરી આ જૂની અને અસરકારક આદત અપનાવીએ, તો અનેક શારીરિક સમસ્યાઓથી દૂર રહી શકાય છે. આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીને કારણે લોકો ડાઇનિંગ ટેબલ અને સોફા પર બેસીને જમવાના આદિ બન્યા છે. પરંતુ, ભારતીય પરંપરામાં જમીન પર બેસીને ભોજન કરવાની રીત પાછળ ઊંડું જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. જમીન પર બેસીને જમવું એ માત્ર એક પરંપરા નથી, પરંતુ અનેક ગંભીર બીમારીઓથી બચવાનો રામબાણ ઈલાજ છે.
જમીન પર બેસીને જમવું એ શરીરને 'ગ્રાઉન્ડેડ' રાખે છે, તે શરીરની ઉર્જાનું સંતુલન જાળવે છે, પૂર્વજોની આ રીત પાછળનું મુખ્ય કારણ એ હતું કે શરીર કુદરતના સીધા સંપર્કમાં રહે અને જમતી વખતે શરીરના તમામ અંગો એક ચોક્કસ લયમાં કાર્ય કરે, જેથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.જમીન પર બેસીને જમવાની જૂની રીત એ જ આધુનિક યુગમાં નિરોગી રહેવાની ચાવી છે.
પાચનશક્તિમાં નોંધપાત્ર સુધારો
આયુર્વેદ અનુસાર, જ્યારે આપણે જમીન પર સુખાસન અથવા પલાંઠી વાળીને બેસીએ છીએ, ત્યારે પાચનક્રિયા આપોઆપ ઝડપી બને છે. પ્લેટમાંથી ખોરાક લેવા માટે શરીરને જે લયબદ્ધ રીતે આગળ નમવું પડે છે, તેનાથી પેટના સ્નાયુઓ સક્રિય થાય છે અને પાચન માટે જરૂરી એસિડ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ખોરાકને સરળતાથી પચાવવામાં અને ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓ રોકવામાં મદદરૂપ થાય છે.
જમીન પર બેસવાથી શરીરના નીચેના ભાગના સ્નાયુઓ, ખાસ કરીને પેટ અને સાંધાના સ્નાયુઓ વધુ સક્રિય બને છે. સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, આ મુદ્રામાં બેસવાથી સ્નાયુઓની ગતિશીલતા વધે છે. સુખાસન કે વજ્રાસનમાં બેસીને જમવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે અને શરીર વધુ લવચીક બને છે.
વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ
ટેબલ-ખુરશી પર બેસીને જમવા કરતા જમીન પર બેસીને જમવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વૈજ્ઞાનિક રીતે, જ્યારે આપણે પલાંઠી વાળીને બેસીએ છીએ, ત્યારે આપણી વેગસ નર્વ મગજને પેટ ભરાઈ ગયાનો સંકેત વધુ અસરકારક રીતે મોકલે છે. આનાથી વ્યક્તિ જરૂરિયાત કરતા વધારે ખાવાથી બચે છે અને ઓવર-ઈટિંગ અટકતા વજન કાબૂમાં રહે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે વરદાન
જ્યારે આપણે જમીન પર પદ્માસન કે સુખાસનમાં બેસીએ છીએ, ત્યારે પગ તરફ જતો લોહીનો પ્રવાહ ઓછો થઈને પાચનતંત્ર તરફ કેન્દ્રિત થાય છે. આ સ્થિતિ હૃદય પરનો બિનજરૂરી તાણ ઘટાડે છે. લોહીનું પરિભ્રમણ હૃદય અને પાચન અંગો વચ્ચે સુવ્યવસ્થિત રીતે થતું હોવાથી હૃદય લાંબા સમય સુધી તંદુરસ્ત રહે છે.
પોશ્ચર (બેસવાની મુદ્રા) માં સુધારો
ખુરશી પર લાંબો સમય બેસવાથી કરોડરજ્જુ અને ખભા પર ખરાબ અસર પડે છે, પરંતુ જમીન પર બેસતી વખતે આપણે કુદરતી રીતે જ કરોડરજ્જુ સીધી રાખીએ છીએ. આનાથી શરીરનું પોશ્ચર સુધરે છે, ખભા પાછળ ખેંચાય છે અને હાડકાના સાંધા મજબૂત બને છે. યોગ્ય પોશ્ચરને કારણે ભવિષ્યમાં થતા સાંધાના દુખાવાની શક્યતા ઘટી જાય છે.
માનસિક શાંતિ અને સંબંધોમાં મજબૂતી
પરિવાર સાથે જમીન પર એકસાથે બેસીને ભોજન કરવાથી માત્ર શારીરિક જ નહીં પણ માનસિક ફાયદા પણ થાય છે. શાંત ચિત્તે અને સુખદ વાતાવરણમાં ભોજન લેવાથી તણાવ ઓછો થાય છે. આ પરંપરા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધારે છે અને આડકતરી રીતે સામાજિક અને કૌટુંબિક સંબંધોને ગાઢ બનાવે છે. જમીન પર બેસીને જમવાની જૂની રીત એ જ આધુનિક યુગમાં નિરોગી રહેવાની ચાવી છે.