ક્રિકેટર કે ડાન્સર? સૂર્યકુમાર યાદવે 'રહેમાન ડકૈત'ની સ્ટાઈલમાં કર્યો ડાન્સ, ફેન્સ પૂછી રહ્યા છે- આ અસલી સૂર્યા છે?
ભારતીય T20 ટીમના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મેદાન પર 360 ડિગ્રી શોર્ટ્સ ફટકારવા માટે જાણીતા સૂર્યાનો એક નવો અવતાર સામે આવ્યો છે, જેમાં તે ફિલ્મ 'ધુરંધર' ના પાત્ર 'રહેમાન ડકૈત'ની સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો સૂર્યાના આ ફની અંદાજ પર ફિદા થઈ ગયા છે.
વાયરલ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ફિલ્મ 'ધુરંધર' ના પ્રખ્યાત ગીત 'FA9LA' પર સ્ટેજ પર ઠુમકા લગાવતો જોવા મળે છે. મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "આ દાદાની શૈલી છે - ફૂલ ધુરંધર મોડ." IPL 2026 ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર રહી છે. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને 2012 પછી પહેલીવાર સીઝનની શરૂઆતની મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે ટીમમાં હાલમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સૂર્યકુમાર યાદવ માટે આ સમય વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને રીતે સુવર્ણ સાબિત થઈ રહ્યો છે.
તેની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપ ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કરીને ઈતિહાસ રચી દીધો છે. ચેમ્પિયન બનીને ટીમ ઈન્ડિયાએ ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અને સુવર્ણ અધ્યાય લખ્યો છે. ભારતીય ટીમ હવે ત્રણ વખત T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતનારી વિશ્વની શક્તિશાળી ટીમ બની ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સૂર્યાની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે, જે તેના સોશિયલ મીડિયા પરના વાયરલ ડાન્સ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
ક્રિકેટના મેદાન પર ગંભીર કેપ્ટન તરીકે દેખાતા સૂર્યાનો આ 'ધુરંધર' ડાન્સ મોડ દર્શાવે છે કે તે દબાણના સમયમાં પણ હળવાશ અનુભવવાનું જાણે છે. IPL ની આ સીઝન અને વર્લ્ડ કપની જીત બાદ સૂર્યકુમાર યાદવ અત્યારે ભારતીય ક્રિકેટનો સૌથી તેજસ્વી સિતારો બનીને ઉભર્યો છે.