સાવધાન! તમારી ઊંઘવાની ખોટી રીત છીનવી શકે છે ચહેરાની સુંદરતા : મોંઘી ક્રીમ નહીં, આ એક ફેરફાર રોકશે કરચલીઓ...
આજની ભાગદોડભરી જીંદગીમાં લોકો મોંઘા સ્કિનકેર રૂટિન અને એન્ટિ-એજિંગ પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી રાતની શાંત ઊંઘ જ તમારા ચહેરા પર અકાળે વૃદ્ધત્વના નિશાન લાવી શકે છે? તાજેતરમાં 'જર્નલ ઓફ એસ્થેટિક સર્જરી'માં પ્રકાશિત થયેલા એક ચોંકાવનારા સંશોધન મુજબ, જે રીતે આપણે સૂઈએ છીએ તેની સીધી અસર આપણા ચહેરાની ત્વચા અને સ્નાયુઓ પર પડે છે. નિષ્ણાતોના મતે, ગરદન અને કમરના દુખાવા ઉપરાંત, ઊંઘવાની ખોટી સ્થિતિ ચહેરાની નાજુક ત્વચાને વિકૃત કરી શકે છે, જેના પરિણામે લાંબા ગાળે કાયમી કરચલીઓ દેખાવા લાગે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો, જ્યારે આપણે ઊંઘ દરમિયાન આપણો ચહેરો ઓશીકા પર દબાવીએ છીએ ત્યારે ત્વચા પર સંકોચન, તણાવ અને ખેંચાણ જેવા બાહ્ય બળો સતત કાર્ય કરે છે. નાની ઉંમરે ત્વચામાં રહેલું કોલેજન અને સ્થિતિસ્થાપકતા આ દબાણને સહન કરી લે છે અને જાગ્યા પછી ચહેરો સામાન્ય થઈ જાય છે. જોકે, ૩૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ શરીરમાં કોલેજનનું ઉત્પાદન કુદરતી રીતે ઘટવા લાગે છે, જેને કારણે ઊંઘ દરમિયાન પડતી આ કામચલાઉ રેખાઓ ધીમે-ધીમે ઊંડી કરચલીઓમાં ફેરવાઈ જાય છે. ખાસ કરીને જે લોકો પેટ પર ઊંધા સૂવાની આદત ધરાવે છે, તેમના માટે જોખમ સૌથી વધુ હોય છે. આ સ્થિતિમાં ચહેરો સંપૂર્ણપણે ઓશીકા સાથે અથડાય છે, જે ત્વચાને શ્વાસ લેવામાં અવરોધ ઉભો કરે છે અને આંખો નીચે સોજો આવવાની સમસ્યા પણ વધારે છે.
એ જ રીતે, મોટાભાગના લોકો બાજુ પર ( પડખું ફરીને) સૂવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ સ્થિતિ ગાલ પર અતિશય દબાણ લાવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ વર્ષો સુધી એક જ પડખે સૂવે છે, તેના ચહેરાની તે ચોક્કસ બાજુએ બીજી બાજુની તુલનામાં વધુ ઊંડી રેખાઓ અને કરચલીઓ જોવા મળે છે. ઘણીવાર લોકો આ રેખાઓને વધતી ઉંમરના ચિહ્નો અથવા હસવાથી પડતી 'સ્મિત રેખાઓ' માની લેવાની ભૂલ કરે છે, પરંતુ વાસ્તવમાં આ 'સ્લીપ રિંકલ્સ' છે જે સ્નાયુઓના સંકોચનથી નહીં પણ ઓશીકાના બાહ્ય દબાણથી પેદા થાય છે. આ કરચલીઓ કુદરતી કરચલીઓ કરતા અલગ હોય છે અને તેને સામાન્ય ટ્રીટમેન્ટથી દૂર કરવી મુશ્કેલ બને છે.
તમારી ત્વચાની યુવાની અને કુદરતી ચમક જાળવી રાખવા માટે નિષ્ણાતો પીઠ પર (ચત્તા) સૂવાની સલાહ આપે છે. આ સ્થિતિ ત્વચા માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તેમાં ચહેરો કોઈપણ અવરોધ કે દબાણ વગર મુક્ત રહે છે. પીઠ પર સૂવાથી ચહેરો ઓશીકાના સંપર્કમાં આવતો નથી, જેથી ત્વચા પર કોઈ પણ પ્રકારનું ખેંચાણ અનુભવાતું નથી અને રાતભર ત્વચા આરામ કરી શકે છે. જો તમે તમારી સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ, તો મોંઘા સૌંદર્ય પ્રસાધનો પર નિર્ભર રહેવાને બદલે તમારી સૂવાની પદ્ધતિમાં સુધારો કરવો એ સૌથી શ્રેષ્ઠ અને કુદરતી એન્ટિ-એજિંગ ઉપાય સાબિત થઈ શકે છે.