"કેટલીવાર નાની બનાવશો"..... પૂનમ સિન્હા સોનાક્ષીની અફવાઓ પર ભડકી
બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિન્હા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની અફવાઓને લઈને સતત ચર્ચામાં છે. વારંવાર ઉડતી આ અફવાઓ પર હવે તેની માતા અને વરિષ્ઠ અભિનેત્રી પૂનમ સિન્હાએ મૌન તોડ્યું છે અને મીડિયા તેમજ સોશિયલ મીડિયા યુઝર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન 23 જૂન, 2024ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા હતા. લગ્ન બાદ જ્યારે પણ સોનાક્ષી કોઈ જાહેર ઈવેન્ટમાં ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ તેના 'બેબી બમ્પ' વિશે અટકળો લગાવવાનું શરૂ કરી દે છે.
આ અફવાઓ એટલી હદે વધી ગઈ હતી કે સોનાક્ષી પોતે પણ ભૂતકાળમાં આ બાબતે નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. તાજેતરમાં એક વાતચીત દરમિયાન પૂનમ સિન્હાએ હસતા હસતા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, "ખબર નથી મીડિયાએ મને અત્યાર સુધીમાં કેટલીવાર નાની બનાવી દીધી છે!" તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં સોનાક્ષી પ્રેગ્નન્ટ નથી, પરંતુ સાથે એમ પણ ઉમેર્યું કે ભવિષ્યમાં જ્યારે પણ આ ખુશખબરી આવશે, ત્યારે તેઓ પોતે તે વાત શેર કરશે. પોતાના જૂના દિવસોને યાદ કરતા પૂનમ સિન્હાએ જણાવ્યું કે, જ્યારે તેમના ઘરે દીકરી સોનાક્ષીનો જન્મ થયો ત્યારે પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ હતો.
તેમણે ભારપૂર્વક કહ્યું કે, દીકરીઓ વગરની જિંદગી અધૂરી છે અને દરેકના જીવનમાં દીકરીનું હોવું અત્યંત જરૂરી છે. તેઓ આ 'નાની' બનવાની ખુશીના સમયની ચોક્કસ રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલની વાતો માત્ર અફવા છે. ગયા વર્ષે દિવાળી પાર્ટી દરમિયાન સોનાક્ષીના આઉટફિટ અને પોઝને જોઈને લોકોએ તે પ્રેગ્નન્ટ હોવાનો દાવો કર્યો હતો. તે સમયે સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે લોકોએ બીજાના અંગત જીવનમાં આટલી દખલગીરી ન કરવી જોઈએ.
સતત બોડી શેમિંગ અને પ્રેગ્નન્સીની વાતોથી અભિનેત્રી ઘણીવાર પરેશાન જોવા મળી છે. પૂનમ સિન્હાના આ નિવેદન બાદ હવે સોનાક્ષીની પ્રેગ્નન્સીની અફવાઓ પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાયું છે. સોનાક્ષી અને ઝહીર હાલમાં તેમની મેરીડ લાઈફ એન્જોય કરી રહ્યા છે અને પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે.