અનિલ કપૂર ફરી બન્યા નાના....સોનમ કપૂરના ઘરે બીજા 'રાજકુમાર'નું આગમન
બોલિવૂડની 'ફેશન આઈકોન' ગણાતી અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાના ઘરે ફરી એકવાર પારણું બંધાયું છે. આ દંપતીએ 19 માર્ચ, 2026ના રોજ તેમના બીજા સંતાન તરીકે પુત્રનું સ્વાગત કર્યું છે. સોનમ અને આનંદ અગાઉથી જ એક દીકરા 'વાયુ'ના માતા-પિતા છે, અને હવે બીજા પુત્રના આગમનથી પરિવારમાં હરખની હેલી જોવા મળી રહી છે. સોનમ અને આનંદે ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત પોસ્ટ શેર કરીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી હતી. તેમણે લખ્યું કે, અપાર કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે, અમને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે 29 માર્ચના રોજ અમારા ઘરમાં એક બાળકનો જન્મ થયો છે.
સોનમ કપૂરે પોતાની પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમનો મોટો દીકરો વાયુ તેના નાના ભાઈના આગમનથી ખૂબ જ ખુશ છે. દંપતીએ આ નવા જીવનને એક કિંમતી ભેટ ગણાવીને ભગવાનનો આભાર માન્યો હતો. હવે સોનમ અને આનંદ ચાર લોકોના પરિવાર તરીકે જીવનની આ નવી અને સુંદર સફર શરૂ કરવા માટે તૈયાર છે. સોનમે જેવી જ આ જાહેરાત કરી કે તરત જ બોલિવૂડના કલાકારોએ તેમને વધામણી આપવાનું શરૂ કરી દીધું હતું.
કરીના કપૂર ખાન, પરિણીતી ચોપરા, રિયા કપૂર અને હુમા કુરેશી જેવી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને નવજાત બાળક પર આશીર્વાદ વરસાવ્યા હતા. ચાહકો પણ આ દંપતીને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.સોનમ કપૂર અને આનંદ આહુજાની લવ સ્ટોરી 2015માં 'પ્રેમ રતન ધન પાયો'ના પ્રમોશન દરમિયાન શરૂ થઈ હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2018 માં તેમણે ધામધૂમથી લગ્ન કર્યા હતાજેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. 40ની ઉંમરે સોનમ કપૂરની આ બીજી પ્રેગ્નન્સી સફર તેના ચાહકો માટે પ્રેરણારૂપ બની રહી છે.