50 વર્ષ બાદ માનવી ફરી ચંદ્રની સફરે....નાસાનું અર્ટિમિસ-2 મિશન આવતીકાલે થશે રવાના
પૃથ્વીનો માનવી લાંબા 50 વર્ષના વિરામ બાદ ફરી એકવાર ચંદ્રની મુલાકાતે જઈ રહ્યો છે. અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસા દ્વારા ભારતીય સમય મુજબ 2 એપ્રિલ, વહેલી સવારે 3:54 કલાકે ફ્લોરિડાના કેન્નેડી સ્પેસ સેન્ટર પરથી ‘અર્ટિમિસ-2’ મિશન લોન્ચ કરવામાં આવશે.1972માં એપોલો-17 બાદ આ પ્રથમ વખત છે જ્યારે માનવી સમાનવ યાનમાં ચંદ્ર ભણી પ્રયાણ કરશે, જે અંતરિક્ષ વિજ્ઞાન માટે એક યુગ પરિવર્તક ઘટના સાબિત થશે. આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓ સામેલ છે, જે અંતરિક્ષ ઇતિહાસમાં અનેક નવા રેકોર્ડ સ્થાપિત કરશે. મિશનનું નેતૃત્વ કમાન્ડર રીડ વાઇઝમેન કરશે, જ્યારે પાઇલટ તરીકે વિક્ટર ગ્લોવર જવાબદારી સંભાળશે.
આ મિશનનું સૌથી ગૌરવશાળી પાસું એ છે કે તેમાં ક્રિસ્ટિના હેમ્મોક કોચ પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે અને જેરેમી હેન્સન પ્રથમ કેનેડિયન નાગરિક તરીકે ચંદ્રની યાત્રાએ જશે, જે વૈશ્વિક સ્તરે વિવિધતા અને સમાનતાનો સંદેશ આપે છે. આ ચારેય અવકાશયાત્રીઓ ‘ઓરાયન’ નામના અત્યાધુનિક અવકાશયાનમાં મુસાફરી કરશે. આ યાનને વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્પેસ લોન્ચ સિસ્ટમ દ્વારા અવકાશમાં ધકેલવામાં આવશે, જેની ઊંચાઈ અંદાજે માળની ગગનચુંબી ઇમારત જેટલી છે.
અર્ટિમિસ-2 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ચંદ્રની મુલાકાત પૂરતો સીમિત નથી, પરંતુ "મૂન ઇઝ ગેટવે ટુ માર્સ" એટલે કે ચંદ્રને મંગળ સુધી પહોંચવાના પ્રવેશદ્વાર તરીકે તૈયાર કરવાનો છે. આ મિશન દ્વારા યાનમાં રહેલી ‘લાઇફ સપોર્ટ સિસ્ટમ’ (જીવન રક્ષક વ્યવસ્થા)નું કઠિન પરીક્ષણ કરવામાં આવશે. આ સફળતા બાદ ભવિષ્યમાં ચંદ્ર પર કાયમી માનવ વસાહત સ્થાપવા અને ત્યાંથી ડીપ સ્પેસમાં એટલે કે મંગળ ગ્રહ સુધી પહોંચવા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ભારતનું પ્રદાન અત્યંત પાયારૂપ છે.
નાસા આ મિશન દ્વારા ચંદ્રના ખનિજ તત્વોના વ્યવસાયિક ઉપયોગની દિશામાં પણ મજબૂત ડગ માંડી રહ્યું છે. ટી.આઇ.એફ.આર. અને ઇસરોના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, નાસાની યોજના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ખાણકામકરીને કિંમતી ખનિજો મેળવવાની છે. આ માટે આધુનિક ટેકનોલોજી દ્વારા ચંદ્રની ધરતી પર કઈ રીતે ઉતરવું અને પરત ફરવું તેની આગોતરી તૈયારી અર્ટિમિસ- દ્વારા કરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં અંતરિક્ષ અર્થતંત્રમાં મોટી ક્રાંતિ લાવશે.