છેલ્લા બોલે મેચ પલટાઈ! દિલ્હીને હરાવી ગુજરાતે ખાતું ખોલ્યું, પણ ગિલને IPL આચાર સંહિતા નડી
ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને એક હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ માત્ર 1 રનથી હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી છે. જોકે, આ જીતનો આનંદ કેપ્ટન શુભમન ગિલ માટે થોડો મોળો સાબિત થયો છે. સ્લો ઓવર રેટના કારણે આઈપીએલ આચાર સંહિતાના ભંગ બદલ ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મેચના છેલ્લા બોલ સુધી ચાલેલા આ રોમાંચમાં ગુજરાતનું નસીબ ચમક્યું હતું, પરંતુ નિયમોના ઉલ્લંઘને કેપ્ટન અને ટીમ માટે મુશ્કેલી ઊભી કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ટાઇટન્સે આખરે જીતનું ખાતું ખોલી લીધું છે, કેપ્ટન શુભમન ગિલને સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
મેચ દરમિયાન નિર્ધારિત સમયમાં ઓવરો પૂરી ન કરવા બદલ IPL આચાર સંહિતાના આર્ટિકલ 2.22 હેઠળ શુભમન ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. પરંતુ મેચના અંતિમ તબક્કામાં તેની અસર મેદાન પર પણ જોવા મળી હતી. નિયમો મુજબ, સમયસર ઓવર પૂરી ન થતા ટીમે છેલ્લી ઓવરોમાં 30-યાર્ડ સર્કલની અંદર એક વધારાનો ફિલ્ડર રાખવો પડ્યો હતો, જેના કારણે ફિલ્ડિંગ ગોઠવવામાં કેપ્ટન પર દબાણ વધી ગયું હતું. 211 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી.
કેએલ રાહુલે માત્ર 52 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. પાથુમ નિસાંકાએ પણ 41 રનનું યોગદાન આપ્યું હતું, જેના કારણે મેચ છેલ્લા બોલ સુધી જીવંત રહી હતી. દિલ્હી તરફથી રમતા ડેવિડ મિલર ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હોવા છતાં ફરી મેદાનમાં આવ્યો હતો. તેણે માત્ર 20 બોલમાં 41 રન ફટકારીને દિલ્હીને જીતની એકદમ નજીક પહોંચાડી દીધું હતું. અંતિમ ઓવરમાં દિલ્હીને જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી, ત્યારે સ્ટેડિયમમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. દિલ્હીને છેલ્લી બે બોલમાં બે રન જોઈતા હતા, પરંતુ પાંચમા બોલે ડેવિડ મિલરે સિંગલ લેવાની ના પાડી દીધી હતી.
મિલર લયમાં હોવાથી તેણે સ્ટ્રાઈક પોતાની પાસે રાખી હતી, પરંતુ મેચનો છેલ્લો બોલ ડોટ જતાં દિલ્હીની ટીમ 1 રનથી હારી ગઈ હતી. આ જીત સાથે ગુજરાતે પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધાર્યું છે. ચાલુ સિઝનમાં દંડાયેલા ખેલાડીઓની યાદીમાં ગિલ સિવાય પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનો પણ સમાવેશ થાય છે, જેમના પર બીજી વખત સ્લો ઓવર રેટ બદલ 24 લાખનો દંડ લાગ્યો હતો. આ ઉપરાંત, અયોગ્ય ભાષાના ઉપયોગ બદલ અભિષેક શર્મા પર પણ મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.