પંચમહાલમાં પથ્થરમારો અને હિંસક ધિંગાણું: કાલોલમાં છેડતીના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ
સામાજિક શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં જ્યારે અંગત અદાવત કે અસામાજિક પ્રવૃત્તિઓ હિંસાનું સ્વરૂપ લે છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફરી વળે છે. પંચમહાલ જિલ્લાના કાલોલમાં બનેલી તાજેતરની ઘટનાએ ફરી એકવાર અશાંતિનો માહોલ સર્જ્યો છે.
યુવતીની છેડતી બાદ મામલો બિચક્યો
કાલોલ શહેરમાં મોડી રાત્રે બનેલી આ હિંસક ઘટના બની હતી, આ વિવાદ એક યુવતીની છેડતીના મુદ્દે શરૂ થયો હતો. જૂની અદાવત અને છેડતીને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણમાં લાકડીઓ, લોખંડના પાઈપ, ધોકા અને પથ્થરોનો છૂટ્ટાહાથનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા લોકોએ ઘરમાં રહેલા ખાટલા અને તગારાનો પણ હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.
આ ધિંગાણામાં યુવાનોની સાથે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ સામેલ થઈ જતાં સમગ્ર સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. પથ્થરમારાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ અને પોલીસ કાર્યવાહી
હિંસાની આ ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં લોકો એકબીજા પર પથ્થરો ફેંકતા અને હુમલો કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો હવે પોલીસ માટે પુરાવા તરીકે કામ લાગશે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ વિસ્તારમાં વધુ હિંસા ન ભડકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારો અને હુમલો કરનારા શખ્સો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.