અમદાવાદની PTC કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી મામલો : 20 વર્ષથી ફરજ બજાવતા પ્રોફેસર સસ્પેન્ડ
શિક્ષણ જગતને 'વિદ્યાધામ' માનવામાં આવે છે, જ્યાં ગુરુ અને શિષ્યનો સંબંધ અત્યંત પવિત્ર હોય છે. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને, ત્યારે શિક્ષણની ગરિમા લજવાય છે. મહિલાઓની સુરક્ષા માટે કાર્યસ્થળ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કડક નિયમો હોવા છતાં છેડતી જેવી ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે. આવી ઘટનાઓ સામે વિદ્યાર્થિનીઓની હિંમત અને સંસ્થાની ત્વરિત કાર્યવાહી જ અન્ય ગુનેગારો માટે દાખલો બેસાડી શકે છે.
પરીક્ષા ખંડમાં બનેલી શરમજનક ઘટના
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી 100 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતી સી.એન. વિદ્યાવિહાર સંસ્થાની PTC કોલેજમાં એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગત 20મી માર્ચના રોજ જ્યારે કોલેજમાં પ્રીલિમ પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે એક સિનિયર અધ્યાપકે વિદ્યાર્થિનીનો હાથ પકડી તેની છેડતી કરી હતી. શરૂઆતમાં ડરના માર્યા ચૂપ રહેલી વિદ્યાર્થિનીએ આખરે હિંમત બતાવી ન્યાયની માંગ કરી છે.
તપાસ અને ઘટસ્ફોટની વિગતો
20 માર્ચના રોજ પરીક્ષા દરમિયાન અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી. ત્યારબાદ 24 માર્ચના રોજ ડાયેટ (DIET) ના અધિકારીઓ ઇન્સ્પેક્શન માટે આવ્યા ત્યારે મહિલા પ્રોફેસર સમક્ષ પીડિત વિદ્યાર્થિનીએ આપવીતી જણાવી. અને 27 માર્ચે વિદ્યાર્થિનીના માતા-પિતાની હાજરીમાં સંસ્થાને લેખિત ફરિયાદ સોંપવામાં આવી. સંબંધિત અધ્યાપક છેલ્લા 20 વર્ષથી આ સંસ્થામાં કાર્યરત હતા, છતાં તેમની ગેરવર્તણૂક બદલ સંસ્થાએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
સંસ્થાની કાર્યવાહી અને વિશાખા સમિતિ
સી.એન. વિદ્યાવિહારના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વૈશાલી શાહે જણાવ્યું હતું કે સંસ્થાના ઇતિહાસમાં આવી આ પ્રથમ ઘટના છે અને તેને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે.
કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા માટેના નિયમો મુજબ 'વિશાખા સમિતિ' ની રચના કરવામાં આવી છે.
આ સમિતિ નિષ્પક્ષ તપાસ કરી અહેવાલ રજૂ કરશે, જેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી થશે.
કોલેજમાં હાલ 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નોંધનીય છે કે આ કોલેજમાં 3 વર્ષ પહેલા જ કો-એજ્યુકેશન (છોકરા-છોકરીઓ સાથે ભણે તેવી વ્યવસ્થા) શરૂ કરવામાં આવ્યું હતું.
પીડિત વિદ્યાર્થિની અમદાવાદ જિલ્લાના એક ગામની છે અને કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓમાં પણ રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.