ડીસામાં બેંક ગાર્ડની બંદૂકમાંથી અચાનક ફાયરિંગ: રિક્ષામાં બેઠેલી મહિલાને ગોળી વાગતા ખળભળાટ
જાહેરમાં હથિયાર સાથે ફરજ બજાવતા સુરક્ષા કર્મચારીઓની સહેજ પણ બેદરકારી નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. બનાસકાંઠાના ડીસામાં બનેલી આકસ્મિક ફાયરિંગની ઘટનાએ સુરક્ષાના સાધનોના હેન્ડલિંગ અને તકેદારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભીડભાડ વાળા વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાને પગલે લોકોમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો.
બંદૂક સાફ કરવા કે ખભે ચઢાવવા જતાં સર્જાયો અકસ્માત
ડીસામાં આવેલી સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક જ ગોળી છૂટી હતી (Accidental Firing). આ ઘટના ત્યારે બની જ્યારે ગાર્ડ પોતાની બંદૂકને ખભે ચઢાવવાની કોશિશ કરી રહ્યો હતો. જે સમયે ગોળી છૂટી ત્યારે બેંકની બહાર એક રિક્ષા ઊભી હતી. આ રિક્ષામાં બેઠેલી એક મહિલાને અચાનક છૂટેલી ગોળી વાગતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી.
મહિલાની હાલત ગંભીર જણાતા તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક પાલનપુર રિફર કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બેંકના સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે અને તેની બંદૂક કબ્જે લઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે.