અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરવઠાનું સતત મોનિટરિંગ
વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલા ભૌગોલિક તણાવની અસરો હવે સ્થાનિક સ્તરે વર્તાઈ રહી છે. ખાસ કરીને ઈંધણના પુરવઠાને લઈને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓએ અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં નાગરિકોમાં ચિંતા જગાવી છે, જેના કારણે પેટ્રોલ પંપો પર અચાનક ભીડ વધી રહી છે.
મધ્ય પૂર્વ ક્ષેત્રની પ્રવર્તમાન સ્થિતિને જોતા અમદાવાદ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના વિતરણને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ઇંધણના પુરવઠાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે.
તંત્ર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી:
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઈંધણની આવક નિયમિત રીતે થઈ રહી છે અને સપ્લાય ચેઈનમાં કોઈ પણ પ્રકારનો મોટો વિક્ષેપ નથી.
નાગરિકો માટે મહત્વની સૂચનાઓ:
ગભરાટ ટાળો: કોઈ પણ જાતની અફવા કે ખોટા મેસેજથી ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે.
જરૂરિયાત મુજબ ખરીદી: નાગરિકોને અપીલ છે કે તેઓ માત્ર પોતાની દૈનિક જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવે, જેથી બિનજરૂરી 'પેનિક બાયિંગ' રોકી શકાય.
સહયોગ: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલ પંપના સંચાલકો અને સ્ટાફને પૂરતો સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.
જિલ્લા પ્રશાસને ખાતરી આપી છે કે ઈંધણના વિતરણને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. નાગરિકોને શાંતિ જાળવવા અને તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ છે.