April 5, 2026
હેલ્થ

ઉનાળામાં સ્ટ્રીટ ફૂડ ન ખાઓ... જો ખાવાની મજબૂરી હોય તો આ વાતો ધ્યાનમાં રાખો

06:00:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઉનાળામાં સ્ટ્રીટ ફૂડ ન ખાઓ... </strong></span>જો ખાવાની મજબૂરી હોય તો આ વાતો ધ્યાનમાં રાખો</p>

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીનો માટે આ સમાચાર લાલબત્તી સમાન છે. શું તમે જાણો છો કે ગરમીમાં રસ્તા પર ખુલ્લો રાખવામાં આવેલો ખોરાક અને બરફવાળા ઠંડા પીણાં તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ઘાતક સાબિત થઈ શકે છે? વધતા તાપમાનમાં બેક્ટેરિયા ઝડપથી સક્રિય થતા હોવાથી ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ અને કમળા જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને હવામાં વધતો ભેજ બેક્ટેરિયા અને વાયરસના વિકાસ માટે સ્વર્ગ સમાન છે.

રસ્તા પર ખુલ્લામાં વેચાતો ખોરાક, ખાસ કરીને ચટણીઓ, કાપેલા ફળો અને ડેરી પ્રોડક્ટ્સ ખૂબ જ ઝડપથી ઓક્સિડાઈઝ થાય છે. ઊંચા તાપમાનમાં રાંધેલો ખોરાક થોડા જ કલાકોમાં બગડવા લાગે છે, જે ફૂડ પોઈઝનિંગનું મુખ્ય કારણ બને છે. અસ્વચ્છ સ્ટ્રીટ ફૂડ ખાવાથી  બીમારીઓ થઈ શકે છે સ્ટ્રીટ ફૂડમાં સૌથી મોટું જોખમ પાણી અને બરફનું છે. શેરડીનો રસ, ઠંડા પીણા કે પાણીપુરીમાં વપરાતો બરફ ઘણીવાર પીવાલાયક શુદ્ધ પાણીમાંથી બનાવવામાં આવતો નથી. આ દૂષિત પાણી દ્વારા ટાઈફોઈડ અને કમળાના વાયરસ સીધા શરીરમાં પ્રવેશ કરે છે.

ઉનાળામાં ઠંડકની લ્હાયમાં આવા બરફયુક્ત પીણાં પીવા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા સમાન છે. રસ્તા પર મળતા તળેલા નાસ્તામાં ઘણીવાર એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. ગરમીમાં તેલ ઝડપથી 'રેન્સિડ' (બગડી) જાય છે, જેનાથી ગંભીર એસિડિટી અને પાચનની સમસ્યાઓ થાય છે. વધુમાં, સ્વાદ વધારવા માટે વપરાતા ગરમ અને તીખા મસાલા ઉનાળામાં પેટમાં બળતરા પેદા કરે છે અને શરીરનું તાપમાન વધારે છે.

જો તમારે બહાર ખાવું જ પડે, તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમાં માત્ર ગરમાગરમ રાંધેલો ખોરાક જ ખાવો, પીવા માટે પોતાની પાણીની બોટલ રાખવી, કાચા સલાડ કે ચટણીઓ ટાળવી, રાંધનારની વ્યક્તિગત સ્વચ્છતા જોવી, ખુલ્લામાં રાખેલા ફળો ન ખાવા, બરફ વગરના પીણાં લેવા, ભીડભાડ અને ગંદી જગ્યાઓથી દૂર રહેવું, ખાતા પહેલા હાથ સેનિટાઈઝ કરવા, પેકેજ્ડ ફૂડની એક્સપાયરી ડેટ તપાસવી,  દૂધની બનાવટોની તાજગી જોવી, પ્લાસ્ટિકના વાસણો ટાળવા અને ઓછું તળેલું પસંદ કરવું.

ઉનાળામાં મનુષ્યની પાચનશક્તિ કુદરતી રીતે જ નબળી હોય છે, તેથી શરીરને પચાવવામાં ભારે પડે તેવો ખોરાક ટાળવો જોઈએ. ઘરે બનાવેલો તાજો ખોરાક, છાશ, નાળિયેર પાણી અને તાજા ફળો શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સ્વાદના ચક્કરમાં આવીને સ્ટ્રીટ ફૂડ ખાઈને આખું વેકેશન બીમારીમાં વિતાવવા કરતા સંયમ રાખવો વધુ હિતાવહ છે.