ગરમીમાં લૂ અને ડિહાઈડ્રેશનથી બચાવશે શેતૂર....રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે છે બેસ્ટ ઓપ્શન
ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે બજારમાં ઠંડા પીણાં અને આઈસ્ક્રીમની ભરમાર હોય છે, ત્યારે પ્રકૃતિએ આપણને એક એવું અમૃત જેવું ફળ આપ્યું છે જે સ્વાદમાં જેટલું લાજવાબ છે, ગુણોમાં તેટલું જ બેજોડ છે. વાત છે 'શેતૂર'ની. માર્ચ અને એપ્રિલ મહિનાના ટૂંકા ગાળા માટે આવતા આ ખાટા-મીઠા અને રસદાર ફળને આયુર્વેદમાં ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. શેતૂર માત્ર તમારી જીભને તૃપ્તિ નથી આપતું, પરંતુ તે વિટામિન સી, આયર્ન અને એન્ટી-ઓક્સિડન્ટ્સનો અખૂટ ખજાનો છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને લોહીની ઉણપ દૂર કરવા સુધી, આ નાનકડું ફળ શરીર માટે 'સુપરફૂડ' સાબિત થાય છે.
જો તમે હજુ સુધી આ સીઝનમાં શેતૂરનો સ્વાદ નથી ચાખ્યો, તો તેના આ ચોંકાવનારા ફાયદા જાણીને તમે આજે જ તેને તમારા ડાયેટમાં સામેલ કરી દેશો. ચાલો જાણીએ, શેતૂર કઈ રીતે ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. શેતૂર એ વિટામિન સી, આયર્ન અને શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ઉનાળામાં થતા તાવ, ખાંસી અને ગળાના ચેપમાં શેતૂરનું સેવન રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
લોહીની ઉણપ એટલે કે એનિમિયાથી પીડાતા લોકો માટે શેતૂર આશીર્વાદ સમાન છે. તેમાં રહેલું પુષ્કળ આયર્ન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જે જાતકોને વારંવાર થાક લાગતો હોય કે નબળાઈ અનુભવાતી હોય, તેમણે આ સીઝનમાં શેતૂરનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. વધુમાં, તેનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરી બ્લડ શુગર નિયંત્રિત કરી શકે છે.
પાચનતંત્ર માટે શેતૂર અત્યંત ગુણકારી છે. તેમાં રહેલા ફાઈબર કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે અને પેટને સાફ રાખે છે. તે લિવરના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણાય છે. જે લોકોને ઉનાળામાં ભૂખ ન લાગવાની કે અપચાની ફરિયાદ હોય, તેમને શેતૂર ખાવાથી ફાયદો થાય છે. આ ફળ કુદરતી રીતે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, જેનાથી આંતરિક સિસ્ટમ શુદ્ધ થાય છે. ત્વચા અને સુંદરતા જાળવવામાં પણ શેતૂર પાછળ નથી. તેમાં 'એન્ટી-એજિંગ' ગુણધર્મો હોય છે, જે વધતી ઉંમરની અસરો જેવી કે કરચલીઓ અને ફાઈન લાઈન્સને રોકવામાં મદદ કરે છે.
જો ત્વચા શુષ્ક હોય કે ચહેરા પર કાળા ડાઘ હોય, તો શેતૂરનું સેવન કરવાથી કુદરતી ચમક આવે છે. ઉપરાંત, તે વિટામિન-A થી ભરપૂર હોવાથી આંખોની રોશની સુધારવામાં અને મોતિયા જેવી સમસ્યાઓ અટકાવવામાં મદદરૂપ થાય છે. શેતૂરમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો ત્વચાને બાહ્ય ઈન્ફેક્શનથી બચાવે છે. ખરજવું અને સોરાયસિસ જેવી ત્વચાની ગંભીર સ્થિતિઓમાં પણ તેનું સેવન રાહત આપે છે. તેની છાલનો ઉકાળો કે પાવડર પણ અનેક રોગોમાં ઔષધ તરીકે વપરાય છે. કુદરતે આપેલી આ મોસમી ભેટનો મહત્તમ લાભ લેવો જોઈએ.