પરફ્યુમ લગાવ્યા પછી તરત જ સુગંધ ઉડી જાય છે? 24 કલાક શરીરને મહેકતું રાખવા ફોલો કરો આ ટિપ્સ
ઉનાળામાં વધતું તાપમાન પરફ્યુમની સુગંધ માટે સૌથી મોટો પડકાર છે. ગરમીને કારણે પરફ્યુમમાં રહેલા સુગંધિત કણો, જેને 'ટોપ નોટ્સ' કહેવાય છે, તે ખૂબ જ ઝડપથી બાષ્પીભવન પામીને હવામાં ઉડી જાય છે. આ ઉપરાંત, શરીરનો પરસેવો પરફ્યુમના કેમિકલ બંધારણ સાથે ભળી જાય છે, જેનાથી સુગંધ નબળી પડે છે અથવા તો તેની ઓરિજિનલ સ્મેલ બદલાઈ જાય છે. આ જ કારણ છે કે શિયાળાની સરખામણીએ ઉનાળામાં પરફ્યુમ ઓછો સમય ટકે છે, પરફ્યુમ લગાવતા પહેલા ત્વચાની સ્થિતિ કેવી છે તે ખૂબ મહત્વનું છે.
જો તમે સીધું સૂકી ત્વચા પર પરફ્યુમ સ્પ્રે કરો છો, તો ત્વચા તેને ઝડપથી શોષી લે છે અને સુગંધ ગાયબ થઈ જાય છે. તેથી, પરફ્યુમ લગાવતા પહેલા તે જગ્યા પર સુગંધરહિત લોશન, ક્રીમ અથવા વેસેલિન લગાવવું જોઈએ. મોઈશ્ચરાઈઝર સુગંધને ત્વચા પર 'લોક' કરી દે છે, જેથી તે લાંબા સમય સુધી જળવાઈ રહે છે. પરફ્યુમને આડેધડ આખા શરીરે છાંટવાને બદલે ચોક્કસ 'પલ્સ પોઈન્ટ્સ' પર લગાવવું વધુ અસરકારક છે. કાનની પાછળ, ગરદનનો ભાગ અને કાંડા જેવી જગ્યાઓ પર લોહીનું પરિભ્રમણ વધુ હોય છે અને ત્યાં શરીરની કુદરતી ગરમી વધુ હોય છે.
આ ગરમી સુગંધને ધીમે-ધીમે હવામાં મુક્ત કરવામાં મદદ કરે છે, જેના કારણે પરફ્યુમની અસર દિવસભર ધીમી પણ મક્કમ ગતિએ ચાલુ રહે છે. ઉનાળા માટે પરફ્યુમની પસંદગી પણ સ્માર્ટ હોવી જોઈએ. આ ઋતુમાં ભારે અને ખૂબ મીઠી સુગંધને બદલે સાઇટ્રસ (લીંબુ, સંતરા), મિન્ટ કે હળવા ફ્લોરલ ફ્લેવર પસંદ કરવા જોઈએ. આ ઉપરાંત 'લેયરિંગ'ની ટેકનિક એટલે કે, એક જ સુગંધ ધરાવતા સોપ, બોડી વોશ અને પછી પરફ્યુમનો ઉપયોગ કરવાથી સુગંધના એક પછી એક લેયર બને છે. આ પદ્ધતિથી પરફ્યુમની આવરદા 24 કલાક સુધી વધી શકે છે.
પરફ્યુમ લગાવ્યા પછી ઘણા લોકો કાંડાને એકબીજા સાથે ઘસે છે, જે મોટી ભૂલ છે. આમ કરવાથી સુગંધના મોલેક્યુલ્સ તૂટી જાય છે અને તેની અસર તરત ઓછી થઈ જાય છે. પરફ્યુમને માત્ર સ્પ્રે કરીને હવામાં સૂકાવા દેવું જોઈએ. વળી, માત્ર કપડાં પર પરફ્યુમ લગાવવાને બદલે ત્વચા પર લગાવવું વધુ હિતાવહ છે, કારણ કે કપડાં પર પરસેવો ભળવાથી ક્યારેક સુગંધને બદલે દુર્ગંધ આવવા લાગે છે.