April 1, 2026
ભારત

સુપ્રીમ કોર્ટનો આદેશ : કઈ જેલમાં કેટલા કેદી? રાજ્યોએ આ તારીખ  સુધીમાં આપવો પડશે હિસાબ... 

01:58:00 PM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુપ્રીમ કોર્ટનો આદેશ : </strong></span>કઈ જેલમાં કેટલા કેદી? રાજ્યોએ આ તારીખ  સુધીમાં આપવો પડશે હિસાબ... </p>

ભારતની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ ખડકાયેલા હોવાને કારણે સર્જાતી અમાનવીય પરિસ્થિતિઓ પર સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે માનવ અધિકારોના જતન અને જેલ સુધારણાના હેતુથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 18 મે સુધીમાં પોતાની જેલોની વર્તમાન સ્થિતિનો સંપૂર્ણ ચિતાર રજૂ કરે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ બાબતે સ્પષ્ટ કર્યું છે કે ન્યાયિક પ્રક્રિયાને યોગ્ય દિશા આપવા માટે જૂના નહીં પણ સમકાલીન આંકડાઓ હોવા અનિવાર્ય છે. આ આદેશ અંતર્ગત તમામ રાજ્યોએ 1 માર્ચ, 2026 સુધીની સ્થિતિ મુજબની અપડેટેડ વિગતો સોંપવાની રહેશે, જેમાં જેલની મંજૂર ક્ષમતા સામે વાસ્તવિક રીતે કેટલા કેદીઓ ત્યાં વસવાટ કરી રહ્યા છે તેની જેલવાર વિગતો આપવાની રહેશે.

અદાલતે માત્ર કેદીઓની સંખ્યા જ નહીં, પરંતુ જેલના વહીવટ અને ત્યાંની સુવિધાઓ અંગે પણ ઊંડી તપાસ આદરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને પૂછ્યું છે કે જેલોમાં ભીડભાડ ઘટાડવા માટે સરકાર દ્વારા અત્યાર સુધી કેવા નક્કર પગલાં લેવામાં આવ્યા છે અથવા ભવિષ્યમાં શું આયોજન છે. આ ઉપરાંત, મહિલા જેલોની સંખ્યા અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. ખાસ કરીને જે મહિલા કેદીઓ સાથે તેમના નિર્દોષ બાળકો જેલમાં રહેવા મજબૂર છે, તેમના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી કલ્યાણ માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે તે અંગે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જેલ સ્ટાફની મંજૂર કરાયેલી સંખ્યા અને હાલમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે થઈ રહેલી કામગીરીની વિગતો પણ આ એફિડેવિટમાં સામેલ કરવાની રહેશે.

આ સમગ્ર મામલામાં અદાલતે એ બાબત પર પણ ભાર મૂક્યો છે કે હાલમાં ઉપલબ્ધ મોટાભાગના આંકડાઓ 2023 સુધીના છે, જે વર્તમાન પરિસ્થિતિને યોગ્ય રીતે રજૂ કરતા નથી. સિનિયર એડવોકેટ અને એમિકસ ક્યુરી ગૌરવ અગ્રવાલે જ્યારે અદાલતનું ધ્યાન આ જૂના ડેટા તરફ દોર્યું, ત્યારે બેન્ચે 17 માર્ચના રોજ આ મહત્વનો આદેશ પસાર કર્યો હતો. હવે તમામ રાજ્યોના ગૃહ સચિવે સોગંદનામા પર આ તમામ વિગતો 18 મે સુધીમાં કોર્ટમાં રજૂ કરવાની રહેશે. આ ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટ આગામી 26 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરશે, જેમાં જેલોના આધુનિકીકરણ અને કેદીઓના માનવીય હક્કો અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.