'જજ સાહેબ, આ અસંવેદનશીલતા છે' 3 વર્ષની બાળકી પાસે 'સત્ય'ની અપેક્ષા પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
ગુરુગ્રામમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા કથિત દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસ અને તપાસ એજન્સીઓની ઘોર બેદરકારી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ સમગ્ર તપાસ પ્રક્રિયાને 'અત્યંત ચોંકાવનારી' અને 'અસંવેદનશીલ' ગણાવી તપાસ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ખાસ કરીને એ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો કે, પીડિત બાળકીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધતી વખતે આરોપીઓને તેની એકદમ નજીક બેસાડવામાં આવ્યા હતા.
પોક્સો એક્ટ હેઠળ પીડિતા અને આરોપીને સામસામે લાવવા પર પ્રતિબંધ હોવા છતાં, આ પ્રકારની કાર્યવાહીને કોર્ટે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ ગંભીર ક્ષતિ બદલ કોર્ટે ગુરુગ્રામ પોલીસ કમિશનર અને તપાસ અધિકારીને 25 માર્ચના રોજ વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે,ઘટનાના ચાર અઠવાડિયા વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, આ કેસનો તપાસ અધિકારી અગાઉ પણ પોક્સો કેસમાં લાંચ લેવા બદલ સસ્પેન્ડ થઈ ચૂક્યો છે.
વધુમાં, પીડિત પરિવારને ન્યાય આપવાને બદલે પોલીસ દ્વારા સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કોર્ટમાં એ પણ સામે આવ્યું હતું કે, બાળકીને પોલીસ સ્ટેશન અને ચાઈલ્ડ વેલફેર કમિટી લઈ જવામાં આવી ત્યારે મેજિસ્ટ્રેટે તેને 'સત્ય બોલવા' જેવી અસંવેદનશીલ વાતો કરી હતી. ૩ વર્ષની બાળકી માનસિક રીતે આવી સ્થિતિમાં હોતી નથી કે તે કોર્ટના કઠેડામાં આવી રીતે નિવેદન આપી શકે, અને તંત્રનું આવું વલણ પીડિતાને વધુ માનસિક આઘાત પહોંચાડે છે.