April 3, 2026
ગુજરાત

સુરતમાં કાળજું કંપાવતી ઘટના : ઘર પાસે રમતી 4 વર્ષની બાળકી નહેરમાં પડી, સિવિલમાં તબીબોએ મૃત જાહેર કરી... 

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતમાં કાળજું કંપાવતી ઘટના : </strong></span>ઘર પાસે રમતી 4 વર્ષની બાળકી નહેરમાં પડી, સિવિલમાં તબીબોએ મૃત જાહેર કરી... </p>

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને વાલીઓની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકીનું નહેરમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. સચિન GIDCમાં આવેલી ઓમ સાંઈ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ વર્માની દીકરી આરાધ્યા સોમવારે પોતાના ઘર પાસે રમી રહી હતી. તે સમયે તેની માતા ઘરકામમાં વ્યસ્ત હતી અને માસૂમ આરાધ્યા રમતા-રમતા ઘરની નજીક આવેલી ખુલ્લી નહેર પાસે પહોંચી ગઈ હતી. રમત-રમતમાં બાળકીનો પગ લપસતા તે અચાનક નહેરમાં ખાબકી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

બાળકી નહેરમાં પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થતા જ તેઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ભારે જહેમત બાદ બાળકીને પાણીમાંથી બહાર કાઢી હતી. અર્ધબેભાન હાલતમાં આરાધ્યાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ વિધિની વક્રતા તો જુઓ કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. એકાએક બનેલી આ ઘટનાથી વર્મા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર સોસાયટીમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. માસૂમ દીકરીના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોના આક્રંદથી સિવિલ હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.

આ ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસે હોસ્પિટલ પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ગુના હેઠળ તપાસ શરૂ કરી છે. આ કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક 'લાલ બત્તી' સમાન છે, જે સૂચવે છે કે નાનાં બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર સતત દેખરેખ રાખવી કેટલી અનિવાર્ય છે. સામાન્ય રીતે ઘરકામ કે અન્ય કામની વ્યસ્તતામાં બાળકો પ્રત્યે રખાયેલી નાનકડી બેદરકારી પણ કેટલી ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે, તેનું આ જીવંત અને દુખદ ઉદાહરણ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.