પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ', સુરતમાં આપના પ્રવક્તાએ મહિલાને પ્રેમની માયાજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, મહિલાએ કર્યા આક્ષેપો...

સુરતના લસકાણા વિસ્તારમાંથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સુરતના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે.
લસકાણામાં AAP પ્રવક્તા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ
સુરતના લસકાણા પોલીસ મથકે એક મહિલા દ્વારા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, કાળુ વઘાસિયાએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્નનું વચન આપીને આરોપીએ પીડિતાનું તેના ઘરે તેમજ અલગ-અલગ હોટલોમાં અનેકવાર શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. લાંબા સમય સુધી આ માયાજાળમાં રાખ્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું.
તારી હાલત 'તુષાર ઘેલાણી' જેવી કરીશ તેવી ધમકી
પીડિતાએ પોલીસ ફરિયાદમાં એવો પણ ચોંકાવનારો ઉલ્લેખ કર્યો છે કે, જ્યારે તેણે લગ્ન કરવાની જીદ પકડી ત્યારે કાળુ વઘાસિયાએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીએ મહિલાને ડરાવવા-ધમકાવવાનું શરૂ કર્યું અને તેને ધમકી આપી હતી કે જો તે વધારે માથાકૂટ કરશે તો તેની હાલત પણ 'તુષાર ઘેલાણી' જેવી કરવામાં આવશે. આ પ્રકારની ગંભીર ધમકી મળતા મહિલા ભયભીત થઈ ગઈ હતી. કાળુના સતત ત્રાસ અને શારીરિક-માનસિક શોષણથી કંટાળીને આખરે પીડિતાએ હિંમત ભેગી કરી લસકાણા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.
આ કેસમાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેને વિશ્વાસમાં લઈને તેનું શોષણ કરવામાં આવ્યું છે. મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.