April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 : શું બદલાશે અમદાવાદની સુરત? કોંગ્રેસે રસ્તા, પાણી અને ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ સાથે જાહેર કર્યો મેનિફેસ્ટો... 

04:44:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 : </strong></span>શું બદલાશે અમદાવાદની સુરત? કોંગ્રેસે રસ્તા, પાણી અને ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ સાથે જાહેર કર્યો મેનિફેસ્ટો... </p>

અમદાવાદ મહાનગરપાલિકાની સત્તામાં બે દાયકાથી બિરાજમાન ભાજપ સરકાર સામે આક્રમક તેવર સાથે કોંગ્રેસે પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્ય, સમાનતા અને સામાજિક ન્યાયના નામે મતો મેળવનાર સત્તાધારી પક્ષે શહેરની હાલત દયનીય કરી દીધી છે. ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આજે સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે, ઠેર-ઠેર ભૂવા પડે છે અને પ્રજાને પીવાનું શુદ્ધ પાણી પણ નસીબ થતું નથી. ભ્રષ્ટાચારને એક સંસ્કૃતિ ગણાવતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રમાં પૈસા આપ્યા વગર જનતાના કોઈ કામ થતા નથી, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભારે નિરાશા અને હતાશા જોવા મળી રહી છે. 

કોંગ્રેસના આ મેનિફેસ્ટોના કેન્દ્રમાં સામાન્ય માનવી અને શહેરના સર્વાંગી વિકાસને સ્થાન આપવામાં આવ્યું છે. પક્ષે ગેરંટી આપી છે કે શહેરમાં હવે કોઈપણ પરિવારને ઘરવિહોણાં કરવામાં આવશે નહીં; 'પહેલા રિહેબિલિટેશન અને પછી જ ડિમોલિશન'ની નીતિ અમલમાં મૂકાશે. વહીવટી તંત્રને વેગવંતુ બનાવવા માટે કોર્પોરેશનમાં ખાલી પડેલી 11,687 સરકારી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવાનું આયોજન છે. આર્થિક બોજ હળવો કરવાના હેતુથી પ્રોપર્ટી ટેક્સ પરના વ્યાજમાં ધરખમ ઘટાડો કરી 18 ટકાથી સીધું 5 ટકા કરવાની ખાતરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે 'તિરંગા અર્બન હેલ્થ સેન્ટર' દ્વારા વોર્ડ સ્તરે બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને ડાયાબિટીસ જેવી બીમારીઓની દવાઓ મફત આપવાનું મોટું વચન પક્ષે આપ્યું છે.

શહેરની માળખાગત સુવિધાઓમાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે કોંગ્રેસે 'વિદેશો જેવી સુવિધા'નો રોડમેપ તૈયાર કર્યો છે. જેમાં નળમાંથી સીધું ગ્લાસ ભરીને પી શકાય તેવું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોંચાડવા અને આગામી 10 વર્ષ સુધી રસ્તાઓ તૂટે નહીં તેવા મજબૂત માર્ગો બનાવવાનો સમાવેશ થાય છે. રસ્તાની ગુણવત્તા પર નજર રાખવા માટે 'જનતા ઓડિટ કમિટી'ની રચના કરવામાં આવશે. પર્યાવરણ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ માટે પણ પક્ષે વિઝન રજૂ કર્યું છે, જેમાં સાબરમતી નદીને શુદ્ધ કરી અમદાવાદને દેશના ટોપ-5 શુદ્ધ હવા (AQI) ધરાવતા શહેરોમાં સ્થાન અપાવવા અને ટ્રાફિક નિવારણ માટે ખાસ ટાસ્ક ફોર્સ બનાવવાની વાત કરી છે. રમતગમત ક્ષેત્રે 'એક ગોલ્ડ અમદાવાદનો' લક્ષ્ય સાથે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું અને ઓલિમ્પિક જેવી સ્પર્ધાઓ માટે કેન્દ્ર સરકારના બજેટનો ઉપયોગ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે.

આ મેનિફેસ્ટો તૈયાર કરવા પાછળ કોંગ્રેસના કાર્યકરોએ છેલ્લા બે મહિના સુધી શહેરના તમામ વોર્ડમાં જઈને લોકોના સીધા અભિપ્રાયો અને રજૂઆતો લીધી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નહીં, પણ અમદાવાદને તેનું ખોવાયેલું ગૌરવ પાછું અપાવવા માટે છે. જે રિવરફ્રન્ટનું ભાજપ ગૌરવ લે છે તે વાસ્તવમાં કોંગ્રેસની દેન છે તેમ જણાવતા પક્ષે ઉમેર્યું હતું કે, લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ ભાજપના ભંડોળમાં નહીં પરંતુ સીધો જનતાની સુવિધા માટે કરવામાં આવશે. આમ, પાયાની સુવિધાઓથી લઈને આધુનિક વ્યવસ્થાઓ સુધીના મુદ્દાઓને સાંકળીને કોંગ્રેસે અમદાવાદીઓને વિકાસની કમાન પોતાના હાથમાં લેવા આહવાન કર્યું છે.