સુરત : અમરોલીમાં સામાન્ય બોલાચાલીએ લીધો 19 વર્ષીય યુવકનો ભોગ, ધારદાર હથિયારના ઘા ઝીંકી કરાઈ કરપીણ હત્યા...
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શ્રીરામ ચોકડી પાસે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રી રામનગર બિલ્ડીંગ નજીક નજીવી બાબતે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને આ તકરાર દરમિયાન હુમલાખોરોએ 19 વર્ષીય મહેન્દ્ર નામના યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવક પર ધારદાર હથિયારો વડે ઉપરાછાપરી હુમલો કરતા મહેન્દ્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
એમ્બ્રોડરીનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને પરિવારના એકમાત્ર આધારસ્તંભ સમાન 19 વર્ષીય મહેન્દ્રના આકસ્મિક અને કરુણ અવસાનથી તેના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવકના પરિવારજનો અને સ્થાનિકોમાં હુમલાખોરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે પોલીસ પ્રશાસન પાસે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આગ્રહભરી માંગણી કરી છે.
ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અને સ્થાનિકોની પૂછપરછ કરીને હત્યારાઓને શોધી કાઢવા માટેની કવાયત તેજ કરી છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપથી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે.