April 1, 2026
ગુજરાત

સુરત : માત્ર 1000 રૂપિયાની ઉઘરાણીમાં યુવકની હત્યાનો પ્રયાસ, પોલીસે ફિલ્મી ઢબે 7ને ઝડપ્યા... 

10:06:00 AM
Save
Mar 22, 2026
Share :
<p>સુરત : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>માત્ર 1000 રૂપિયાની ઉઘરાણીમાં યુવકની હત્યાનો પ્રયાસ,</strong></span> પોલીસે ફિલ્મી ઢબે 7ને ઝડપ્યા... </p>

સુરતના ગોડાદરા વિસ્તારમાં જાહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડવાનો પ્રયાસ કરી રહેલી એક ગેંગને સુરત પોલીસે લોખંડી હાથે પાઠ ભણાવ્યો છે. માત્ર 1000 રૂપિયાની નજીવી ઉઘરાણીના વિવાદમાં એક યુવકની ઘાતકી હત્યા કરવાના ઈરાદે ઘાતક હથિયારો સાથે નીકળેલા સાત શખ્સોને પોલીસે સમયસૂચકતા વાપરી દબોચી લીધા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસની જે બહાદુરી જોવા મળી તે CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક જાંબાઝ પોલીસકર્મી ચાલુ બાઈકે આરોપીની બોંચી પકડીને તેને નીચે પાડી દે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી સિંહની માફક આરોપીના ખભે ચડી જઈ તેને કાબૂમાં લેતો નજરે પડે છે. પોલીસની આ સતર્કતાને કારણે ગોડાદરા વિસ્તારમાં રવિવારની મોડી સાંજે એક મોટી ઘટના બનતા અટકી ગઈ છે અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઘટનાની વિગત એવી છે કે સચિન ચૌધરી નામના યુવકે મુખ્ય આરોપી કનૈયા વિશ્વકર્મા પાસેથી 1000 રૂપિયા હાથ ઉછીના લીધા હતા. લાંબા સમય બાદ પણ આ રકમ પરત ન મળતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે કનૈયાએ સચિનને પાઠ ભણાવવા માટે પોતાના સાગરીતોને હથિયારો સાથે બોલાવી લીધા હતા. કનૈયા વિશ્વકર્મા અને તેની ગેંગ સચિન પર જીવલેણ હુમલો કરવાના મનસૂબા સાથે વિસ્તારમાં ફરી રહી હતી, જેની બાતમી મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે જાળ બિછાવીને આ ગેંગને ઘેરી લીધી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાય તે રીતે આરોપીઓને જમીનદોસ્ત કરી તેમની પાસેથી ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા.

આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી મનીષ ગુપ્તા, પ્રિયેશ દુબે, દીપક યાદવ, અમિત યાદવ, પ્રકાશ સોની અને અભિષેક યાદવ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીર વયના કિશોરનો પણ સમાવેશ થાય છે. જોકે, આ સમગ્ર વિવાદનો મુખ્ય સૂત્રધાર કનૈયા વિશ્વકર્મા હજુ પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવતા સ્પષ્ટ થાય છે કે તેઓ મોટી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતા. હાલમાં ગોડાદરા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોને કડક ચેતવણી આપી છે.